જલારામ બાપા અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ અને મામલે ભારે હોબાળો થઈ ગયો. આ મામલે હાલ વિરપુર બંધનું એલાન છે. સાથે જ વિરપુરમાં લોહાણા સમાજના યુવાનો દ્વારા ઉગ્ર દેખા કરાયો છે અને સ્વામીના પુતળાને લાતો મારી વિરપુર આવીને માફી માંગવા જણાવ્યુ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ લીધા હતા. સ્વામીના આ નિવેદન બાદ જલારામ બાપાના ભક્તો અને લોહાણા સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધ્યા બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી હતી અને પોતાનો વિડીયો ડિલીટ કરી દીધો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, તેમણે એક પુસ્તકમાં જલારામ બાપા અને ગુણાતીત સ્વામીના મિલન વિશે વાંચ્યું હતું. જો કે, વિરપુરના સ્થાનિકો અને જલારામ બાપાના ભક્તોએ જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર આવીને માફી માગે તેવી માગણી કરી હતી.
આ વચ્ચે આજે વિરપુર બંધનું એલાન કરાયુ છે. તો સાથે જ લોહાણા સમાજના યુવકોએ ભારોભાર વિરોધ પ્રદર્શન ચાલુ કર્યુ છે. જેમાં સ્વામીના પુતળાને લાતો મારી અને રોષ વ્યક્ત કર્યો છે. તેમજ સ્વામીએ વીડિયો થકી માંગેલી માફી મંજૂર ન હોય અને તેઓ વિરપુર આવીને માફી માંગે તેવી પણ માંગણી કરી છે. જો સ્વામી રૂબરૂ આવી માફી ન માંગે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 2 મહિલા અને અન્ય 8 લોકોની અટકાયત કરી છે. તેમજ વિરપુરમાં સ્વામીનારાયણ મંદિર પાસે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. વડતાલ તાબાના આ સ્વામીના બફાટના કારણે હાલ તો ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા છે. લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.