Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેતર ખેડીને આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતના 54 લાખ ખેડૂત પરિવારોને ખેડૂત દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. ઇસુદાન ગઢવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આઝાદીના 78 વર્ષ થયા અને ગુજરાતમાં કોંગ્રેસે 30 વર્ષ રાજ કર્યું અને ભાજપે 30 વર્ષ રાજ કર્યું. હાલ ભાજપના નેતાઓનો અને ઉદ્યોગપતિઓનો વિકાસ થાય છે, પરંતુ ખેડૂતોનું શું? આજે બહુ મોટો સવાલ છે કે ખેડૂતો કેમ ખેતી છોડી રહ્યા છે? આજે ડોક્ટર પોતાના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, વકીલ પોતાના દીકરાને વકીલ બનાવવા માંગે છે અને એક મંત્રી પોતાના દીકરાને ધારાસભ્ય અને મંત્રી બનાવો માંગે છે પરંતુ ખેડૂત પોતાના દીકરાઓને ખેડૂત બનાવવા માંગતો નથી. ખેડૂતો રાત દિવસ ખેતી કરે છે પરંતુ તેમની પાસે કંઈ વધતું નથી. આજે કમિશવાળા લોકો પણ રોજના ત્રણ-ચાર હજાર રૂપિયા કમાઈ લે છે, આજે દસ વીઘાનો માલિક ખેડૂત પણ દેવામાં ડૂબતો જાય છે. હકીકતમાં લોકોએ સમજવાની જરૂર છે કે સરકાર નીતિઓ એવી બનાવે છે કે ખેડૂતો ખેતી છોડીને ભાગે છે. જો આવું ચાલ્યું તો દસ-પંદર વર્ષ બાદ ઉદ્યોગપતિઓ ખેતીમાં આવી જશે અને એક મણે ઘઉંના ₹5,000 લેશે, તેલના ડબ્બાના 10000 રૂપિયા લેશે. તો સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે આ એક મોટું ષડયંત્ર જ છે, એના હું તમને પુરાવા આપું છું.
વધુમાં AAP નેતા Isudan Gadhviએ જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે પાક વીમો બધાથી સારો હોવો જોઈએ, પરંતુ પાક વીમો ગુજરાતમાં છે જ નહીં, અહીંયા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ છે. એમણે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, અને એમણે 50 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા, પરંતુ એક ખેડૂતનો નવો પૈસો માફ કર્યો નથી. ગુજરાતમાં હમણાં ચાર મહિનામાં લગભગ દરેક જ્ઞાતિના આઠ ખેડૂતોએ આપઘાત કર્યા છે. છતાં ભાજપના નેતાઓના પેટનું પાણી નથી હલતું. અમેરિકામાં ખેડૂતને 54 લાખની સબસીડી આપવામાં આવે છે અને આપણા ખેડૂતોને સરેરાશ 21000 પણ નથી મળતા અને પૂરતા ભાવ પણ નથી મળતા, એપીએમસીમાં કડદા થાય છે, ખેડૂત બિયારણ લેવા જાય તો બિયારણ મોંઘુ મળે છે, દવા મોંઘી આવે છે, ખાતર મળતું નથી એટલે બ્લેકમાં ખાતર લેવું પડે છે અને એની પડતર કિંમત ઊંચી થઈ જાય છે. જો આ ખેતી અદાણીને આપી દેવામાં આવે તો મને પૂરો વિશ્વાસ છે કે અદાણી એક મણ ઘઉંના 5000 રૂપિયા લેશે અને તેલના ડબ્બાના 10000 રૂપિયા લેશે. ખેડૂતના ખેતરમાં બે રૂપિયા કિલોની ડુંગળી હોય છે પરંતુ નેતાઓ અને તેના દીકરાઓ સંગ્રહખોરી કરે ત્યારબાદ એ ડુંગળીનો ભાવ 500 રૂપિયા મણ થઈ જતો હોય છે. જ્યારે ખેડૂતના ખેતરમાં ડુંગળી આવતી હોય છે, ત્યારે નિકાસ બંધ કરી દેવામાં આવતી હોય છે. અને એટલા માટે જ હું કહું છું કે સરકારની નીતિ જ ખેડૂત વિરોધી નીતિ છે.
AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતો બિચારા ભોળા છે. ખેડૂતો કહે છે કે આ ભાજપનું ગામ છે પરંતુ ભાજપ જ ભાજપનું ગામ અને ભાજપના ખેડૂતોને ભોંય ભેગા કરી દે છે. જેના કારણે ગામડે ગામડે વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે અને ભાજપના નેતાઓને મજા આવે છે અને કહે છે કે “જુઓ આપણી નીતિઓના કારણે આને કોઈ દીકરી આપવા તૈયાર નથી” તો હું સૌને કહીશ કે હવે જાગૃત થવાની જરૂરત છે અને ભાજપ પાસે કોઈ આશા રાખવાની જરૂરત નથી. આપણે ભાજપને 30 વર્ષ આપ્યા પરંતુ તે લોકો કશું કરી શક્યા નહીં, માટે હવે આપણે જાગૃત થવાની જરૂર છે. 54 લાખ ખેડૂતોના લગભગ અઢી કરોડ પરિવારજનો થાય છે અને એક કરોડ ૨૦ લાખ લોકોને ખેડૂતો રોજગારી આપે છે. માટે ઉદ્યોગની સાથે સાથે આપણા ખેતીપ્રધાન દેશમાં ખેતીને પણ મહત્વ આપવું જરૂરી છે અને અત્યાર સુધી ખેતીને મહત્વ આપવામાં આવ્યું નથી એના કારણે ખેતી પાયમાલ થઈ છે. હવે આપણે તમામ ખેડૂતોએ એક થઈને ખેડૂતોની નીતિ બને અને ખેડૂતોને વાવણી કરતા પહેલા ખ્યાલ આવી જાય કે તેમના ઘઉં, મગફળી, ચણા વગેરેને સરકાર ખરીદી લેશે અને એ પણ એમએસપીના ભાવથી ખરીદી લેશે, એવી વ્યવસ્થા આપણે પેદા કરવાની છે.
આમ આદમી પાર્ટી ગુજરાત





