Chaitar Vasava News: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. AAP ધારાસભ્ય Chaitar Vasavaએ જણાવ્યું હતું કે, આજની આ જનસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે નવા લોકો જોડાઈ રહ્યા છે. આજે વલસાડની ધરમપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ 400થી સમર્થકોની સાથે અમારી પાર્ટીમાં જોડાયા છે અને અમે એમને આવકારીએ છીએ. કોંગ્રેસમાંથી પણ ઘણા સદસ્યો આજે અમારી સાથે જોડાયા છે એમને પણ અમે આવકારીએ છીએ. પાર્ટીમાં એમનું સન્માન જળવાય, એમના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં પાર્ટી મજબૂત બને એવા અમારા પ્રયાસો રહેશે. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવા જઈ રહી છે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ સારી રીતે અને મજબૂતાઈથી લડે, જીતે અને સત્તા ઉપર આવે એવા પ્રયાસો આમ આદમી પાર્ટી કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલ થી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવા જઈ રહી છે.

AAP ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જંગલની જમીન ખેડતા ખેડૂતોને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આજ દિન સુધી સરકારે સનદ આપી નથી અને જેને સનદ મળી છે તેમને અધિકારો મળ્યા નથી. પાવર ગ્રીડ, જેટકોના લોકો બારોબાર ખેડૂતોની સંમતિ વગર, ગ્રામસભાની પરવાનગી વગર, પબ્લિક હીયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટ નાખી દે છે, ટાવરો ઉભા કરી દે છે અને નવી નવી સમસ્યાઓ આ વિસ્તારમાં ઊભી થઈ છે. તાપી, નર્મદાના 61 ગામના લોકોમાં દહેશત ઊભી થઈ છે. એક તરફ સરકાર ફંડની જોગવાઈ કરી રહી છે પ્રોજેક્ટ નાખવાની વાત કરે છે ત્યારે જે પણ વિસ્તારમાં અહીંથી પાણી લઈ જવા માટે 60 ડેમનું નિર્માણ કરવા સરકાર જઈ રહી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કારણ કે આ 60 ડેમથી 61 ગામના ખેડૂતોને વિસ્થાપિત થવાની ભીતિ છે તો આ પ્રોજેક્ટ સરકાર શ્વેત પત્ર જાહેર કરીને રદ કરે એવી અમારી માંગણી છે. મોહનગઢમાં પણ41 જેટલા પરિવારોને વહીવટી તંત્રએ નોટિસ આપી છે. આ પરિવારો ત્રણ પેઢીથી અહીંયા રહે છે જો કાલે ઉઠીને પ્રશાસન એમને કોઈ હેરાન ગતિ કરશે તો આવનારા દિવસોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિવ, દમણ, સેલવાસાના તમામ લોકોને આહવાન કરીને લાખોની સંખ્યામાં અહીંયા ભેગા થઈશુ અને આ જનતાની સાથે અમે ઊભા રહીશું.