Chaitar Vasava News: આજે વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં આદિજાતિ વિકાસ મંત્રી માંગણીઓ લઈને આવ્યા હતા તો એ ચર્ચામાં મેં ભાગ લીધો હતો. મેં આ દરમિયાન સરકારનું ધ્યાન દોર્યું કે ગુજરાતમાં 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો વસી રહ્યા છે અને એમણે પોતાનો પરસેવો પાડીને ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે પરંતુ જ્યારે બજેટની વાત આવી ત્યારે ફક્ત 5425 કરોડની આદિજાતિ વિકાસ ફંડની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ જ ઓછી છે. કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે કે 15 ટકા આદિજાતિ વસ્તી સામે 17.57 ટકા ફંડની જોગવાઈ હોવી જોઈએ એની જગ્યાએ ફક્ત 1.35 ટકા બજેટ ફાળવવામાં આવ્યું છે. આના પરથી દેખાઈ રહ્યું છે કે સરકારને આદિવાસી લોકોની કેટલી ચિંતા છે. આજ રીતે 2024-25 માં 4,373 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, અને એમાંથી 3,373 કરોડ જ વાપરવામાં આવ્યા અને બાકી બચેલા 1000 કરોડ ક્યાં પડ્યા છે તેની કોઈ માહિતી નથી. એક બાજુ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, સારા રોડ રસ્તા નથી, કુપોષણથી બાળકો પીડાઈ રહ્યા છે. સિકલ સેલની સમસ્યાથી અનેક બાળકો પીડાય છે, આવી અનેક સમસ્યાઓ હોવા છતાં પણ સરકાર આદિજાતિ વિકાસનું બજેટ બીજી જગ્યાએ વાપરે છે. તો એ બજેટ ટ્રાઇબલ સબપ્લાનના માધ્યમથી આદિવાસી લોકો માટે વપરાય એની અમે રજૂઆત કરી છે.

વધુમાં ધારાસભ્ય Chaitar Vasava જણાવ્યું હતું કે, એ જ પ્રમાણે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમે ખેડૂતોને ખેતીવાડીના બોર કરી આપતા હતા, દુધાળા પશુઓ આપતા હતા, એ ગુજરાત પેટર્ન યોજનામાં ગત વર્ષે એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે ફક્ત 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે અમે રજૂઆત કરી કે સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં વિદ્યાર્થીઓ છે એમની શિષ્યવૃતિ બંધ કરી છે તો એ શરૂ કરવા માટે અમે માંગ કરી છે. બીજો એક ગંભીર મુદ્દો છે કે આદિજાતિના ખોટા સર્ટિફિકેટ લઈને લાખો લોકોએ નોકરીઓ મેળવી લીધી, કેટલાક લોકો તો ચૂંટણીઓ લડીને વિધાનસભામાં પહોંચી ગયા છે અને ઘણા લોકો શિક્ષણ ક્ષેત્રે એડમિશન પણ લઈ લે છે. 2018માં કાયદો બન્યો, 2021-22માં નિયમો બન્યા, પણ હજુ સુધી આવા લોકોને નોકરીમાંથી, રાજકીય ક્ષેત્રમાંથી કે શિક્ષણમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. ગુજરાત સરકારની વિભાગીય વિશ્લેષણ સમિતિ આવા લોકોને તાત્કાલિક બહાર કાઢે એવી અમે માંગ કરી છે.

વધુમાં ધારાસભ્ય Chaitar Vasava જણાવ્યું હતું કે, આદિવાસીઓનો અંબાજીથી ઉમરગામનો વિસ્તાર એ શિડ્યુલ એરિયામાં આવે છે. એને બંધારણની કલમ 13 (ક) અંતર્ગત રૂઢિગત ગ્રામસભાને પાવર આપવામાં આવ્યા છે. પેસા એક્ટ 1996 અંતર્ગત ગ્રામસભાને સર્વોપરી ગણવામાં આવી છે. મેં આજે સરકારને કહ્યું કે ચાહે અંબાજી હોય, કેવડિયા હોય, આંબા ડુંગર હોય કે નસવાડી હોય કે આવા અનેક વિસ્તારોમાં આદિવાસી લોકોની જમીન વિકાસના નામે બારોબાર લઈ લેવામાં આવે છે, તો સરકાર આ બધું અટકાવે, જ્યાં સુધી ગ્રામસભા પરવાનગી નહીં આપે, ત્યાં સુધી કોઈપણ પ્રોજેક્ટ માટે જમીનો ન લેવામાં આવે એવી અમે વિધાનસભામાં રજૂઆત કરી છે.

વધુમાં ધારાસભ્ય Chaitar Vasava જણાવ્યું હતું કે, અમે મંત્રી સમક્ષ એ પણ જણાવ્યું કે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત કાયદો બન્યો છે કે જંગલ જમીનમાં રહેતા આદિવાસી જે જમીન ખેડે છે તેમને એમના દાવાઓ આપવાના, એ જમીન એમને આપવાની. પરંતુ સરકારે શું કર્યું, એ કાયદા અંતર્ગત ઓફિસમાં બેસીને ડિવિઝન હોય, પ્રાયોજના વહીવટદાર હોય, ગીર ફાઉન્ડેશન હોય કે કલેકટર કચેરી હોય, આવી ઓફિસોમાં બેસીને કોઈને 10 ગુંઠા કોઈને 20 ગુંઠા જમીન આપી દીધી છે તો મેં વિધાનસભાના ગૃહમાં જણાવ્યું કે જેમનો જેટલો કબજો હોય ચાહે આઠ એકર હોય કે 10 એકર હોય, એની માપણી કરીને એ જમીન આપવામાં આવે સાથે સાથે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે પેન્ડિંગ દાવાઓ છે એ સરકાર આદિવાસી લોકોને આપે એવી મેં માંગ કરી છે.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, નર્મદા ડેમનું પાણી સુજલામ સુફલામ અંતર્ગત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચાડવામાં આવ્યું છે. જ્યારે આ ડેમના વિસ્થાપિતો નર્મદા જિલ્લામાં જ વસે છે, આ સિવાય ઉકાઈ ડેમના વિસ્થાપિતો વસે છે, કરજણ ડેમના વિસ્થાપિતો ત્યાં જ વસે છે, તો આ તમામ લોકોને એમનું બાકી વળતર આપવામાં આવે અને નર્મદા ડેમનું પાણી પણ આપવામાં આવે એવી મેં ગૃહમાં માંગ કરી છે. અગાઉ મંત્રીએ જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં ગંગાપુર ડેમ બનાવવા માટે માંગણી આવી છે તો તેને બનાવવા માટે અમે ઇચ્છા ધરાવીએ છીએ, ડેડીયાપાડા તો નર્મદા, ઉકાઈ અને કરજણ એમ ત્રણેય ડેમને અડીને આવ્યું છે તો એનું પાણી અમને આપવામાં આવે નહીં કે આદિવાસીઓની જમીનો લઈને, તેમને વિસ્થાપિત કરીને, નવો ડેમ બનાવીને પાણી આપવામાં આવે. આ સિવાય આદિવાસી વિસ્તારમાં આંગણવાડીઓની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, કુપોષણ અને સિકલ સેલ એનીમિયાની સમસ્યા છે, તેના માટે યોગ્ય આયોજન કરીને આદિજાતિ વિકાસનું બજેટ વાપરવામાં આવે એવી અમે સરકારમાં રજૂઆત કરી છે.