Ahmedabadના અનેક વિસ્તારમાં દિવાળીની રાતે પ્રદૂષણનું ચિંતાજનક સ્તર નોંધાયું હતું. ચાંદખેડામાં સૌથી વધુ ૧૯૮ એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૦૦ થી ૨૦૦ વચ્ચે રહે તો તેમાં ફેફસાં, અસ્થમા, હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓને સમસ્યા નડી શકે છે.

Ahmedabad: દિવાળીની રાતે ચાંદખેડા, મોટેરા, રખિયાલ, એરપોર્ટ વિસ્તારની હવા સૌથી વધુ પ્રદૂષિત

દિવાળીની રાતે Ahmedabadના વિસ્તારોમાંથી ચાંદખેડામાં સૌથી વધુ ૧૯૮, મોટેરા વિસ્તારમાં ૧૫૭, અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ૧૫૪ એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. બીજી તરફ ગ્યાસપુર વિસ્તારમાં સૌથી ઓછું ૯૮નું પ્રદૂષણનું સ્તર હતું. ખાસ કરીને રાતે ૧૨ થી પરોઢ ચાર દરમિયાન અનેક વિસ્તારમાં હવાની સ્થિતિ સૌથી ખરાબ હતી. અમદાવાદના અનેક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણનું સ્તર પણ વધ્યું હતું.

એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૧ થી ૧૦૦ વચ્ચે હોય તો હવાની ગુણવત્તા સંતોષકારક, ૧૦૧-૨૦૦ હોય તો મધ્યમ, ૨૦૧-૩૦૦ હોય તો ખરાબ ૩૦૧-૪૦૦ હોય તો અત્યંત ખરાબ અને ૪૦૧-૫૦૦ હોય તો ખૂબ જ ચિંતાજનક ગણવામાં આવે છે. ડોક્ટરોના મતે, ફટાકડા ફૂટી રહ્યા હોય ત્યારે શ્વાસના દર્દીઓએ મોઢે માસ્ક પહેરી રાખવું ખૂબ જ જરૂરી છે.