નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ બીલીમોરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં માટે ગઈ તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલ સાકરીવાલા જનરલ સ્ટોરમાં ભારતમાં પ્રતિબંધિત અને વોર્નિંગ વિનાની વિદેશી ‘ઈ સિગારેટ’ વેચાઈ છે. જેના આધારે SOG ની ટીમે સાકરીવાલા જનરલ સ્ટોરમાં છાપો મારતા, દુકાનમાંથી 32 હજાર રૂપિયાની પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી દુકાનદાર 20 વર્ષીય ફય્યાઝ હિંગોરાની ધરપકડ કરી હતી. આરોપી ફય્યાસની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે, સુરતના મોઈને આ પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટનો જથ્થો તેને પહોંચાડ્યો હતો. પોલીસે મોઈનને વોન્ટેડ જાહેર કરી બીલીમોરા પોલીસ મથકમાં ‘ધ પ્રોહિબિશન ઓફ ઈ સિગારેટ એક્ટ’ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. વધુ તપાસ માટે આરોપી ફય્યાઝ હિંગોરાને બીલીમોરા પોલીસને સોંપવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન સિગારેટનો જથ્થો મળ્યો
નાયબ પોલીસ અધિક્ષક વી.એન. પટેલ નવોએ જણાવ્યું હતું કે, બીલીમોરા ખાતે 20 વર્ષીય ફય્યાઝ હિંગોરાની દુકાનમાં હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટનું વેચાણ કરી રહ્યો હતો, જે આધારે નવસારી એસઓજી પોલીસે તેની દુકાનમાં તપાસ કરતા કુલ 16 ઈ સિગારેટ મળી આવી, જેની કિંમત 32 હજાર રૂપિયા થાય છે. આ માલનો કબજો મેળવી પોલીસે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સિગારેટ પીવાનો ક્રેઝ
નવસારી જિલ્લાના યુવાનોમાં સિગારેટ પીવાનો ક્રેઝ જોવા મળે છે. જેમાં સિગારેટનું વેચાણ કરતા દુકાનદારો ઘણીવાર પ્રતિબંધિત ઈ સિગારેટ પણ ચોરી છુપી વેચતા હોય છે. ત્યારે જિલ્લાની આવી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણી દુકાનોમાંથી સિગારેટ મળી આવે એવી ચર્ચાઓ પણ શહેરમાં વેગવંતી બની છે.