Ahmedabad: અમદાવાદ શહેરમાં તા.૩૧/૧૨/૨૦૨૪ અને તા.૦૧/૦૧/૨૦૨૫ વચ્ચેની રાત્રિ દરમિયાન નવા વર્ષની ઉજવણી નિમિત્તે મોટી જનમેદની ભેગી થતી હોય છે. જેના નિયમન સારુ નીચે મુજબના વિવિધ પ્રતિબંધો ફરમાવવામાં આવે છે.

હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) તથા ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ ૨૦૭ અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે જાહેર વ્યવસ્થા જાળવવા, ટ્રાફિકના સુચારુ નિયમન તથા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર નીચે મુજબનો હુકમ જારી કરું છું.

૧. સી.જી.રોડ : સી.જી.રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી ૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૧૮.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી રાખવામાં આવે છે.

વૈકલ્પિક અવર જવરના રૂટ :

સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી. રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં અને કલાક ૨૦.૦૦થી તમામ વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે.
મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી. રોડ ક્રોસ કરવાનો રહેશે, પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં અને કલાક ૨૦.૦૦થી સદંતર વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે.
સી.જી. રોડ ઉપર આવેલ કાયદેસરની બન્ને બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે તે પાર્કિંગ વ્યવસ્થા કલાક ૧૮.૦૦થી બંધ રહેશે.

૨. સિંધુભવન રોડ: ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ ૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૨૦.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક અવરજવરના રૂટ :
ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઇ કાલીબારી મંદિર રોડ થઇ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઇન તરફ વાહનો અવર-જવર કરી શકાશે.
ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઇ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ તરફ વાહનો અવર-જવર કરી શકાશે.

૩. પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર નાઓના આમુખ (૧)માં નિર્દીષ્ટ કરેલ જાહેરનામાંથી સમગ્ર શહેરમાં સવાર કલાક ૮.૦૦થી રાત્રિના કલાક ૨૩.૦૦ સુધી ભારે તથા મધ્યમ પ્રકારનાં માલવાહક અને પેસેન્જર વાહનો તથા આમુખ (૨)થી સવાર કલાક ૮.૦૦થી રાત્રિના કલાક ૨૨.૦૦ સુધી પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે, તે પૈકી પેસેન્જર વાહન સિવાયનાં તમામ પ્રકારનાં વાહનો એસ.જી. હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર તા.૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૦૮.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી અવર-જવર કરી શકશે નહીં. આ દરમિયાન વાહનચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

૪. પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસ.જી. રોડ અને તેના સર્વિસ રોડ પર તા.૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૧૯.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.

૫. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઇ ઇસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.

નોંધ : ઉપર્યુક્ત પ્રતિબંધ દરમિયાન (તા.૩૧/૧૨/૨૦૨૪ રાત્રિના કલાક ૨૦.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૩.૦૦ સુધી) વાહનચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના પેરેરલ (સમાતંર) રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

અપવાદ : ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનોને આ જાહેરનામું લાગું પડશે નહીં.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને ઉપર મુજબની વિગતેના મુદ્દાઓમાં તારીખની સાથે જણાવેલ સમય મુજબ કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા સંયુક્ત /અધિક પોલીસ કમિશનરશ્રીના દરજાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.