PM Modi Road Show: આજે બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી આજે અને કાલે ગુજરાતમાં રહેશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ અહીં રોડ શો અને જાહેર સભાઓ પણ કરશે. પીએમ મોદી વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ અને ગાંધીનગરની પણ મુલાકાત લેશે. આ દરમિયાન, તેઓ રાજ્યમાં 77,400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે.

PM Modiના સ્વાગત માટે વડોદરા શહેર હોર્ડિંગ્સ અને પોસ્ટરોથી શણગારવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરની સફળતા પછી થઈ રહેલી પીએમની આ મુલાકાત દરમિયાન મોદી સાથે સૈનિકોના કટઆઉટ પણ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. લોકો સવારથી જ રસ્તાઓ પર ઉભા રહીને મોદીના આગમનની રાહ જોઈ રહ્યા છે.

PM Modi વડોદરામાં ઓપરેશન સિંદૂર ચલાવવા બદલ ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં રોડ શોમાં હાજરી આપશે. આ દરમિયાન જનતાએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું.

વડાપ્રધાન મોદી વડોદરા પહોંચી ગયા છે. તેમનો રોડ શોપૂરો થયા બાદ તેઓ દાહોદ જશે.

પીએમ નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂરની સફળતા પછી, પીએમ મોદી આજે સેનાનું સન્માન કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.”

વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન મોદી પહેલી વાર વડોદરા આવી રહ્યા છે. વહીવટીતંત્રે તેમના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. લોકો આવવા લાગ્યા છે. નાગરિક સમાજની પણ મોટી ભાગીદારી જોવા મળી રહી છે. આ સમયગાળા દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ અને વહીવટીતંત્રે સંયુક્ત રીતે અનેક પ્રયાસો કર્યા છે.

​​પીએમ મોદીની આજે મુલાકાત પહેલાની તૈયારીઓ અંગે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે પીએમ મોદી સવારે ૯:૩૦ વાગ્યા સુધીમાં આવી જશે. લોકોની સરળ અવરજવર અને ટ્રાફિક ડાયવર્ઝન માટે તૈયારીઓ કરવામાં આવી છે. અમે બેરિકેડ લગાવ્યા છે અને પોલીસ તૈનાત કરી છે. અમે પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યા છીએ.”