Isudan Gadhvi News: આમ આદમી પાર્ટી દ્વારા ગતરોજ રાજકોટ જિલ્લા અને જસદણ વિધાનસભાના ડોડિયાળા ગામે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ કાર્યક્રમમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ જનસભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રજા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર ગુજરાતમાં 30 વર્ષથી છે, એની પહેલા 30 વર્ષ સુધી કોંગ્રેસે ગુજરાતમાં રાજ કર્યું અને કોંગ્રેસના રાજમાં પણ ખેડૂતો પર અત્યાચાર થયા હતા. કોંગ્રેસના રાજમાં ખેડૂતો પર ગોળીઓ વરસાવવામાં આવી હતી. આજે ગુજરાતમાં નેતાઓનો વિકાસ થાય છે, આઇએએસ, આઇપીએસ અધિકારીઓનો વિકાસ થાય છે પરંતુ ગુજરાતના ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો મધ્યમ વર્ગના લોકો અને નાના કર્મચારીઓનો ક્યારેય પણ વિકાસ થતો નથી. કોન્સ્ટેબલ 200 રૂપિયા લેતા પકડાય તો તેની બદલી કરી નાખવામાં આવે છે, પરંતુ આઇપીએસ ઓફિસર કરોડો રૂપિયામાં મ્હાલે છે પણ તેને કોઈ કહેનાર નથી. પંજાબની આદમી પાર્ટીની સરકારમાં પોલીસને 70 હજાર રૂપિયા પગાર મળે છે, ત્યારે ગુજરાતમાં પોલીસને 20000 આપવામાં આવે છે અને એમાં પણ પાછું પોલીસ કર્મચારીઓ પાસેથી ખોટા કામો કરાવવામાં આવે છે અને તેમની બદલીઓ કરી નાખવામાં આવે છે.
વધુમાં AAP નેતા Isudan Gadhviએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે, ખેડૂતો પરેશાન છે, માતા-બેન-દીકરીઓ પરેશાન છે. ભાજપના નેતાઓ જે ભાજપમાં પહેલા હતા, હવે આ એ ભાજપ નથી રહી. હવે તો જે લોકો ભાજપમાં જોડાયેલા રહેશે એ લોકો પાપના ભાગીદાર બનશે. ઘણા બધા આઇપીએસ આઈએએસ અધિકારીઓએ કેરળ, બિહાર જેવી અનેક જગ્યાએ સંપત્તિ વસાવી લીધી છે પરંતુ મેં એ બધાનું પણ લિસ્ટ બનાવી રાખ્યું છે. જે દિવસે મને યોગ્ય જગ્યાએ બેસવા મળ્યું ત્યારે હું જનતાનું લૂંટેલું વ્યાજ સાથે પાછું લઈને આવીશ. ખાતર મોંઘુ થઈ ગયું છે, કારણ કે અમેરિકાના દબાણમાં આપણા ખેડૂતોની સબસીડી ઓછી થઈ રહી છે. અમેરિકા ઈચ્છે છે કે એનું સસ્તું કપાસ ગુજરાતમાં આવે અને ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ જાય. ઘણા ગામડાઓને ભાજપના ગામડા કહેવાય છે તો એ ભાજપના ગામડાઓને કહેવા માગું છું કે મોદીએ તમારું ન વિચાર્યું તો તમે શું કરવા ભાજપનું કે મોદીનું વિચારો છો? 11 વર્ષ પહેલા 50,000નું સ્પ્લેન્ડર હતું હવે એક લાખનું થઈ ગયું, સોનાનો ભાવ જે ₹25,000 હતો એ એક લાખ થઈ ગયો અને જો કપાસનો ભાવ ત્યાંનો ત્યાં રહી ગયો છે, તેમ છતાં પણ જો કપાસ વાવનાર ખેડૂત જો એમ કહેતો હોય કે “આ તો ભાજપનું ગામ છે” તો ત્યારે મને ખૂબ જ પીડા થાય છે અને હું એમને કહું છું કે “હવે તમે તમારી આત્માને જગાડો.” એ લોકો ઈચ્છે છે કે ખેડૂતો ખેતી છોડીને ભાગી જાય અને પછી અદાણી બધી જમીન લઈ લેવાનો છે અને એના કારણે એટલી મોંઘવારી આવશે કે શહેરના લોકો પણ પોતાનું ઘર નહીં ચલાવી શકે.





