Pirotan: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.

પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. 

આ કડક કાર્યવાહી પાછળના કારણો:

રાષ્ટ્રીય સુરક્ષા: પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે. 

 સમુદ્રી જીવસૃષ્ટિ: પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.

 લોકોની અવરજવર: અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.

 NDPS સંબંધી પ્રવૃત્તિઓ: આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.

 સમુદ્રી વનસ્પતિને નુકસાન: અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું.

 મહત્વના ઉદ્યોગો માટે ખતરો: જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતું હતું.

આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.