વડોદરામાં માણેજા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની પિંકી સહદેવ સરોજ તા.૧ ડિસેમ્બરથી કોલક્તા ખાતે BSFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ શરૂ કરશે. BSFમાં કોન્સ્ટેબલની ટ્રેનિંગ માટે સિલેક્ટ થવુ, આકરી ટ્રેનિંગ પૂર્ણ કરીને પોસ્ટિંગ મેળવવા સુધીની સફર પિંકી માટે પડકારજનક હતી અને તે પડકારને પિંકીએ પુરો કર્યો છે.
માતા લાંબા સમયથી બિમાર, પિતા હાર્ડવેર કંપનીમાં વર્કર તરીકે કામ કરે છે, બે વાર રિજેક્ટ થઈ છતા હારી નહી
BSF: પંજાબના ખડકા ખાતે ૧૧ મહિનાની સખત ટ્રેનિંગ પૂર્ણ કરીને પિંકી આજે વડોદરા આવી હતી ત્યારે તેના સમાજના લોકોએ ધામધૂમથી સ્વાગત કર્યુ હતુ કેમ કે પિંકી તેના સમાજની પ્રથમ મહિલા છે જેણે યુનિવર્સિટી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ અને સરકારી નોકરી મળી. પિંકી સાથે વાત કરતા તેણે કહ્યું કે મે એમ.એસ.યુનિવર્સિટીમાંથી બીકોમ પૂર્ણ કર્યુ છે. કોલેજકાળમાં હું એનસીસીમાં જોડાઈ હતી અને ત્યાંથી મને સિક્યુરિટી ફોર્સમાં જોડાવાની ઈચ્છા થઈ હતી.
મારા પિતા તો મજુરી કરે છે. માતા લાંબા સમયથી બિમાર છે બે ભાઈ છે એક ભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે જ્યારે બીજો ભાઈ હજુ ધો.૧૦માં અભ્યાસ કરે છે. બેએસએફમાં અગાઉ બે વખત હું ફેઈલ થઈ હતી પરંતુ સખત મહેનત કરી અને ત્રીજી વખત મેન્ટલી, ફિઝકલી અને મેડિકલ એમ ત્રણ પરીક્ષા પાસ કરી લીધી.