Isudan Gadhvi news: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ Isudan Gadhviએ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આવેલા હર્ષદપુર વિસ્તારમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમના દુખદ પ્રશ્નો અંગે સંવેદના વ્યક્ત કરી. AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્યમાં ભાજપના શાસન હેઠળ ખેડૂતોની બાપદાદાની જમીનો ખાનગી કંપનીઓ દ્વારા બળજબરીથી છીનવી લેવાઈ રહી છે. ખાસ કરીને હર્ષદપુરમાં પ્રાઇવેટ રેલવે ટ્રેક માટે સ્થાનિક ખેડૂતોની જમીન કબજે કરવાની પ્રકિયા ચાલી રહી છે. સ્થાનિકો એ ખુલાસો કર્યો કે રાતોરાત 7/12ના દાખલાઓમાં લોકોને જાણ કર્યા વિના તેમના નામો બદલી નાખવામાં આવ્યા છે, જેથી જમીન પચાવી પાડી શકાય. જો કંપનીઓએ જમીનો લેવી હોય તો ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ખરીદી શકે છે અને પૂરતો ભાવ આપી શકે છે.

તેમણે આ મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા અને જણાવ્યું કે જેમણે ભાજપને વોટ આપીને સત્તામાં લાવ્યા, આજે એ જ ખેડૂતોના અવાજને સરકાર સાંભળવા તૈયાર નથી. ગઢવીએ જણાવ્યું કે પ્રાઇવેટ કંપનીએ પોતાની મરજીથી ખેડૂતોના ખેતરોમાં થાંભલા નાખી દીધા છે, અને ખેડૂતોને કોઈ નોટિસ આપવામાં આવેલી નથી. આવી રાતોરાતની કાર્યવાહીએ ઠેર ઠેર ભયનો માહોલ સર્જી દીધો છે. તેમણે કહ્યું કે ગરીબના ખેતરોને લૂંટીને ઉદ્યોગપતિઓનો વિકાસ થાય, એવો વિકાસ ગુજરાતને માન્ય નથી અને આમ આદમી પાર્ટી આવા અન્યાય સામે હંમેશાં ખેડૂત સાથે ઊભી રહેશે.