વિસાવદર ભેંસાણ જુનાગઢ ગ્રામ્ય ઉમેદવાર Gopal Italia મોટી સંખ્યામાં સ્થાનિકો અને સમર્થકો સાથે પ્રાંત અધિકારીની કચેરીએ મહત્વપૂર્ણ મુદ્દા પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. કચેરીએ પહોંચીને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ નાયબ મામલતદાર મારફતે મુખ્યમંત્રીને એક પત્ર મોકલ્યો અને વિસાવદરમાં તાત્કાલિક હોસ્પિટલ બનાવવા બાબતે રજૂઆત કરી હતી. હાલ માંડાવડ ખાતે મુખ્યમંત્રીના ચૂંટણીલક્ષી કાર્યક્રમ અનુસંધાને આ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હું ગોપાલ ઈટાલીયા 87-વિસાવદર ભેંસાણ જુનાગઢ ગ્રામ્ય મતવિસ્તારમાં આવનારી પેટા-ચૂંટણીનો આમ આદમી પાર્ટી(AAP)નો ઉમેદવાર છું. ચૂંટણી પ્રચારના કામ સબબ હું વિસાવદર તાલુકાના અનેક ગામડાઓમાં જઈને લોકોને રૂબરૂ મળી રહેલ છું.

ચૂંટણી પ્રચાર દરમ્યાન ગામના લોકોએ મને જણાવ્યા મુજબ વિસાવદરમાં કોઈ સારી સરકારી હોસ્પીટલની સુવિધા ન હોવાના કારણે લોકોને આરોગ્યલક્ષી સારવાર મેળવવામાં ખુબ જ તકલીફ પડી રહેલ છે. જ્યારે કોઈ કોઈ ખેડૂતને ખેતરે ઝેરી જીવજંતુ કરડી જાય કે જંગલી જાનવર હુમલો કરે, કે કોઈ મહિલા સગર્ભા હોય, કે કોઈનું અકસ્માત થાય કે કોઈ અન્ય ઈમરજન્સી સારવારની જરૂર પડે ત્યારે વિસાવદર પંથકના લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે છે. તો અહીંયા સ્થાનિકોની માંગ છે કે વિસાવદર તાલુકાના મુખ્ય-મથક ખાતે આધુનિક સાધનો અને ડોક્ટરની સુવિધાયુક્ત એક સરકારી હોસ્પિટલ બનાવાની ખાસ જરુર છે. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વિસાવદર ખાતે ચૂંટણીલક્ષી જનસભામાં આવી રહ્યા છે ત્યારે વિસાવદરની જનતાને આરોગ્ય માટે હેરાન ન થવું પડે તેવી આધુનિક હોસ્પિટલ બનાવવા અંગે નિર્ણય કરે તેવી અમારી માંગણી છે.