Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ અગાઉ 1200 જેટલી સભાઓ તમામ જિલ્લાઓમાં યોજી હતી અને હવે આમ આદમી પાર્ટી નવી રણનીતિ સાથે ફરી એકવાર હું ગુજરાત જોડો અભિયાનને આગળ વધારવા જઈ રહી છે. આ વિશે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના તાલુકા, જિલ્લા અને ગ્રામ્યના સૈનિકોએ જિલ્લા પંચાયતોની 1200 જેટલી સભાઓ કરાવી. આ તમામ સભાઓમાં પ્રદેશના લીડરોથી લઈને ગ્રામ્ય લેવલના કાર્યકર્તાઓ સુધી તમામ લોકોએ અથાગ મહેનત કરી. આ સભાઓમાં ગામેગામથી લાખો લોકો સામેથી આવીને જોડાયા હતા. હવે હું આમ આદમી પાર્ટી(AAP)ના કાર્યકર્તાઓને જણાવવા માંગીશ કે આવતીકાલથી એટલે કે તારીખ 5 ઓક્ટોબરથી ગ્રાઉન્ડ પર ઉતરીને લોકોના ઘરે ઘરે પહોંચે અને ડોર ટુ ડોર સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે. અગાઉ કાર્યકર્તાઓની અથાગ મહેનતના કારણે લાખો લોકો ગુજરાત જોડો અભિયાનમાં જોડાયા હતા અને હવે વધુમાં વધુ લોકોના ઘરે જઈને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવે એવા તમામ પ્રયત્નો કરવાના છે.

અત્યાર સુધી જિલ્લા પંચાયતની મિટિંગોમાં લોકો સામે ચાલીને આપણી સભાઓમાં આવી રહ્યા હતા પરંતુ હવે આપણે લોકો સુધી પહોંચવાનું છે. હવે આપણે એક મુહીમ ઉપાડવાની છે અને તમામ જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો અને ગ્રામ્યના હોદ્દેદારોએ પોતે એકે એક મહોલ્લાઓમાં, એકે એક વોર્ડમાં અને એક એક ઘરે જઈને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવાના છે. ગુજરાતના તમામ કાર્યકર્તાઓને વિશ્વાસ છે અને સાથે સાથે હવે ગુજરાતના લોકોને પણ વિશ્વાસ છે કે જો ગુજરાતને ભ્રષ્ટ ભાજપના અત્યાચારથી કોઈ છોડાવી શકે છે તો તે માત્ર આમ આદમી પાર્ટી જ છે. તો હવે આમ આદમી પાર્ટી ફરી એકવાર પોતાના સદસ્યતા અભિયાનને શરૂ કરવા જઈ રહી છે. હવે હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીની ટીમો લાખોની સંખ્યામાં લોકોને આમ આદમી પાર્ટીમાં જોડશે એ માટે હું તમામ લોકોને અપીલ કરું છું.