Panchmahal: ગુજરાતમાં નાની વયની યુવતીઓને ભગાડવાની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે. 18 વર્ષની ઉંમર થતા જ યુવતીઓને ભગાડી જવાના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે. આ ગંભીર મુદ્દે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં લગ્ન નોંધણીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. પંચમહાલના એક ગામમાં તો ગામની વસ્તી કરતાં વધુ લગ્ન નોંધાયા છે, જે કેવી રીતે શક્ય છે તે સવાલ છે.

તલાટી પર શંકાની સોય

ઘણા કેસોમાં યુવતી 18 વર્ષની થતા જ થોડા દિવસો કે મહિનામાં તેને ભગાડી લેવાય છે. સમાજમાં મોટાભાગે દીકરીઓના લગ્ન 21-22 વર્ષની ઉંમર પછી થાય છે, પરંતુ નિયમોમાં કોઈ સુધારો થયો નથી. ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી કે દીકરીઓની લગ્નની કાનૂની ઉંમર 21 વર્ષ થવી જોઈએ અને રહેવા માટે જે ગામમાં પુરાવો હોય, ત્યાં જ લગ્ન નોંધણી થાય એવો કાયદો બનાવવો જોઈએ. હાલ તો અનેક ગામડાંમાં શંકાસ્પદ લગ્ન નોંધાયા છે. ઉદાહરણરૂપે, સાબરકાંઠાની યુવતીને ભગાડી અમરેલીમાં એક તલાટીએ પૈસા લઈને લગ્ન નોંધણી કરી દીધી. તો એક તલાટીએ તો આશરે 1800 લગ્ન નોંધ્યા હોવાનો ખુલાસો થયો છે.

ષડયંત્રની આશંકા

રાજ્યમાં લગ્ન નોંધણી કૌભાંડ મોટા પાયે ચાલી રહ્યું છે. નાના ગામોમાં વસ્તીથી વધારે લગ્ન નોંધાયા છે, જે ગંભીર પ્રશ્ન છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે નાની વયની દીકરીઓને ભગાડવા માટે સંભવિત માફિયા સક્રિય છે. 18 વર્ષની થતાની સાથે જ યુવતીઓને પૈસા અને સંરક્ષણ આપીને દૂરના ગામમાં લઈ જઈ લગ્ન નોંધાવાય છે. આ આખા કૌભાંડમાં તલાટીનો સીધો સંડોવાટ હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો