Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગઈકાલે રાત્રે એક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. સોશિયલ મીડિયા પર એક ઈન્ફ્લુએન્સરને લઈને ફેલાયેલી ગેરસમજને કારણે મોટી સંખ્યામાં લોકો ગુસ્સેમાં આવીને બી ડિવિઝન પોલીસ મથક તરફ ધસી આવ્યા હતા. ભીડે હોબાળો મચાવતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે લાઠીચાર્જ કરવાનો સમય આવ્યો હતો.

88 નામજોગ, 200થી વધુ અજાણ્યા સામે ગુનો

પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 88 લોકોના નામજોગ અને અંદાજે 200થી વધુ અજાણ્યા લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ 17 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વધુ પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની પણ મદદ લીધી છે.

ભારે પોલીસ બંદોબસ્ત

પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ તંત્રે મોટા પાયે બંદોબસ્ત ગોઠવ્યો છે. હાલમાં ગોધરા શહેરમાં શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે એક એસ.પી., એક ડી.વાય.એસ.પી., 10 પી.આઈ. અને 15 પીએસઆઈ સહિતનો મોટો પોલીસ સ્ટાફ તહેનાત રાખવામાં આવ્યો છે. ઉપરાંત ગોધરા તાલુકા, શહેરા અને કાંકણપુર સહિતના નજીકના પોલીસ મથકમાંથી પણ પોલીસ જવાનોની તાત્કાલિક મદદ લેવામાં આવી છે.

કોઈ જાનહાનિ નહીં

સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે જો ભવિષ્યમાં ફરી કોઈ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તો કડક પગલા લેવાશે.

પોલીસની અપીલ

પોલીસ તંત્રએ જનતાને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને કોઈપણ પ્રકારની ખોટી વાતો કે અફવાઓ પર વિશ્વાસ ન કરે. પોલીસના જણાવ્યા મુજબ, “સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ વ્યક્તિ ઘટનામાં સંડોવાયેલા હશે તેમના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી થશે.”

આ પણ વાંચો