મત્સ્યોધોગ નિયામકશ્રી, ગાંધીનગર તથા અત્રેની કચેરીના પરિપત્ર મુજબ જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળવિસ્તારમાં આગામી તારીખ 01/06/2024 થી તારીખ 31/07/2024 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયા કાંઠેથી કે ક્રીક એરીયામાં કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર સમુદ્રમાં એરીયામાં ન જવા અને કોઈપણ બોટની અવર-જવર ન કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પ્રતિબંધમાંથી નોન મોટરસાઈઝડ ક્રાફટ એટલે કે લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે. તેથી સમગ્ર જામનગર જિલ્લાના તમામ માછીમારો કે જેઓ નોન મોટરસાઈઝડ ક્રાફટ એટલે કે લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડીથી માછીમારી કરે છે, તો તેમણે પોતાની હોડીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

તેમજ પગડીયા માછીમારોએ પગડીયા લાયસન્સ મેળવવું ફરજિયાત છે. ઉપરોક્ત સૂચના મુજબ જે નોન મોટરાઈઝડ ક્રાફટ એટલે કે લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડીનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય તેવા અને લાયસન્સ મેળવેલા ન હોય તેવા પગડીયા માછીમારો વિરુદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો- 2003, ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ- 2003 અને આ જાહેરનામાનો ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર જિલ્લાની તમામ સહકારી મંડળીઓ, માછીમાર એસોશીએશનના હોદ્દેદારો, આગેવાનો, નાતપટેલો, તમામ બોટ માલિકો, છુટક તથા જથ્થાબંધ માછલીના વેપારીઓ તથા તમામ માછીમારોને અત્રે જણાવેલ આ તમામ બાબતોનું ખાસ પાલન કરવાનું રહેશે. તેમજ આ સુચનાની બહોળી રીતે પ્રસિધ્ધિ કરાવવાની રહેશે. તેમ મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.