AAP Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ બોટાદ માર્કેટ યાર્ડમાં થયેલા કળદાના વિવાદ પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, અમારા ખેડૂત નેતા રાજુ કરપડાએ કળદા રાજથી છુટકારો મેળવવા માટે બોટાદ માર્કેટ યાર્ડમાં જવાનું એલાન કર્યું હતું અને તેમની સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. બોટાદમાં કંઇ રીતે કળદાનું કૌભાંડ ચાલે છે એ સમજાવતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, યાર્ડમાં કપાસનો ભાવ 1300 રૂપિયા નક્કી થયો હોય પહેલા વેપારીઓ રિંગ બનાવીને બધું ચેક કરી લીધા પછી તેઓ એવું કહે કે આ બાકીનો કપાસ ભેજવાળો છે એ બરાબર નથી એવું કહીને એ 1100 રૂપિયામાં ખરીદે આમાં જે 200 રૂપિયા ઓછા આપે એને કળદો કહેવામાં આવે છે. બીજી બાબત એ છે કે ખેડૂતો કપાસની જણસ લઈને માર્કેટ યાર્ડમાં આવે પછી વેપારી ખેડૂતોને કપાસ પોતાના જીન પર પહોંચાડવા માટે કહે જે 15 થી 20 કિલોમીટર દૂર હોય છે ત્યાં ખેડૂતોને જણસ લઈને જવું પડે ત્યાં પહોંચ્યા બાદ પણ ભાવમાં ઘટાડો કરી નાખે એટલે પછી ખેડૂતો ક્યાં જાય? આ બધાથી છુટકારો મેળવવા માટે રાજુ કરપડા ખેડૂતોની સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે માંગણી કરી હતી કે જે કળદો છે એને બંધ કરવામાં આવે અને ખેડૂતોને જીન સુધી માલ પહોંચાડવા માટે નહીં કહેવામાં આવે. આ બંને માંગણીઓ મૌખિક સ્વીકારી પરંતુ ભાજપના કહેવાથી લેખીતમાં આપવાની ના પાડી. તેથી ખેડૂતોએ યાર્ડમાં રામધૂન કરી હતી. હજારો ખેડૂતો ભૂખ્યા તરસ્યા યાર્ડમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી ખેડૂતો મુશ્કેલીમાં પડે. તમામ યાર્ડમાં આવું જ ચાલી રહ્યું છે. તમામ યાર્ડ પર ભાજપના નેતાઓ, બાહુબલીઓએ કબજો કરી લીધો છે. આખા ગુજરાતમાં તમામ APMCમાં ભાજપના નેતાઓ કૌભાંડ ચલાવી રહ્યા છે માત્ર કપાસમાં જ નહીં પરંતુ અલગ અલગ રીતે મગફળીમાં, બારદાનના વજનમાં પણ ગરબડ કરે છે એવું આખું નેટવર્ક ચલાવે છે. આવી રીતે કરોડનું કૌભાંડ ભાજપના નેતાઓ જણસ ખરીદવામાં કરી રહ્યા છે.
પોલીસે બંધારણની રક્ષા કરવાની હોય એની જગ્યાએ તમે ભાજપના ઇશારે રાત્રે ત્રણ વાગ્યે સેંકડો પોલીસ યાર્ડમાં આવે છે અને રાજુ કરપડાને અને અમારા નેતાઓને અજ્ઞાત સ્થળે ઉપાડીને લઈ જાય છે અને ખેડૂતોને યાર્ડમાં ગોંધી રાખવામાં આવે છે ઉપરથી તમે તાળા મારી દીધા છે.ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની જગ્યાએ તમે આવું વર્તન કરો છો. ખેડૂતો કોઈ આતંકવાદી નથી. બોટાદમાં અત્યારે ચારે બાજુ પોલીસ ખડકી દેવાઈ છે. શું તમારે બીજા કોઈ કામ નથી. હત્યા, બળાત્કાર થાય છે, દારૂના અડ્ડા બંધ કરાવવાનું તમારું કામ છે. ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવાનું તમારું કામ નથી. ભાજપ વાળાઓ તમને હાથો બનાવી રહ્યા છે. તેઓ હજારો કરોડો રૂપિયા કળદો કરીને કમાય છે અને એનાથી નેતાઓનું કદ વધ્યું છે. કોઈ કળદાને બંધ કરાવે એ ભાજપના નેતાઓથી સહન નથી થતું તેમને કળદા રાજ કરવામાં જ રસ છે. DGPને છ મહિનાનું એક્સટેન્શન મળવાથી જાણે કે ભાજપના દલાલ હોય એવી રીતે વર્તન કરે છે. તમે શું સમજી રહ્યા છો આ ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરશો ખેડૂતોને મધ્યરાત્રીએ ઉપાડી જશો. આવું તો અંગ્રેજોના રાજમાં પણ નથી બન્યું તમને શરમ આવવી જોઈએ. તમે અમારા ટેક્સ ના પૈસાનો પગાર લો છો અને દલાલી ભાજપની કરો છો. IG અને SP ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. IPS અધિકારીઓએ અઢળક સંપત્તિ બનાવી છે જે ભાજપના નેતાઓની સાથે મિલીભગતથી બનાવી છે. અત્યારે ગુજરાતમાં પોલીસ બેફામ બની ગઈ છે લોકોને લુટે છે, લોકોને મારે છે, લોકો પર અત્યાચાર કરે છે, આંદોલનોને કચડી નાખે છે. હું DGPને પૂછવા માગું છું કે તમે હજી બીજા છ મહિનાનું એક્સટેન્શન લેશો પછી શું કરશો? તમારા સંતાનો પણ તમને પૂછશે કે તમે ભાજપની દલાલી કરવા માટે એક્સટેન્શન લો છો. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવાના શપથ લીધા છે એની જગ્યાએ તમે ભાજપની દલાલી કરો છો.
અમારા ખેડૂત નેતા રાજૂભાઈ કરપડાને અત્યારે સુરેન્દ્રનગર લઈ ગયા છે બીજા જે આગેવાનો હતા તેમને પણ ડિટેઈન કરી દીધા છે. આવતીકાલે બપોર પછી હું બોટાદ જવાનો છું ગુજરાતને ખેડૂતોને એલાન કરું છું કે કાલે બોટાદમાં સાંજે પાંચ વાગ્યે મહાપંચાયતનું આયોજન કરીશું. હું લાખો ખેડૂતોને કહું છું કે આ હવે માત્ર બોટાદ માર્કેટ યાર્ડનો કે કળદાનો મુદ્દો નથી રહ્યો, યાર્ડના ચેરમેનો જે લૂંટ ચલાવે છે એ નથી, પરંતુ ગુજરાતના 54 લાખ ખેડૂતોના સ્વાભિમાનનો હવે આ મુદ્દો છે 54 લાખ ખેડૂતોના પરિવારના હકનો છે, તમામ ખેડૂતોને આહવાન કરું છું કે આપણે આવતીકાલે સૌ બોટાદમાં મળીશું. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતના તમામ APMCમાં ચાલતી ગોબાચારી વિરુદ્ધ, ખેડૂતોને 200 500 ગ્રામ ઓછું આપી જે લુટ ચાલે છે, કળદાઓ કરે છે એ તમામ વિરુદ્ધ ગુજરાતમાં મુહિમ ઉપાડશે. આજે હું એલાન કરું છું કે, આ ભાજપના નેતાઓ અને પોલીસમાં જેટલી તાકાત હોય એટલું લડી લેજો. 2027માં પોલીસનો પણ હિસાબ કરવામાં આવશે એ પણ તમે યાદ રાખજો.આરપારની લડાઈ માત્ર કળદા માટેની કે એક યાર્ડ પૂરતી નથી. ગુજરાતના તમામ યાર્ડમાં અમે જોઈશું અને તમામ યાર્ડમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું. આ ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ગોળી ખાવા તૈયાર છે.
સરકાર સિસ્ટમ સુધારવા માટે હોય છે પરંતુ ભાજપની મતિ મારી ગઈ છે તેમને અહંકાર આવી ગયો છે. 30 વર્ષ પહેલા કોંગ્રેસને 149 સીટ આવી હતી અને તેમણે ખેડૂતો ઉપર ગોળીબાર કરી 14 ખેડૂતોની હત્યા કરી નાંખી હતી ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત નથી આપ્યા. એવી જ સ્થિતિ તમે 30 વર્ષ પછી આદરી છે તમારી પણ 156 સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડ પર ભાજપ સમિતિએ કબજો કરી દીધો છે અને ખેડૂતોને લૂંટી રહ્યા છે. આ રીતે ભાજપ અત્યારે આખા ગુજરાતના ખેડૂતો જે પીડાઈ રહ્યા છે એ મુદ્દો ઉકેલવાની જગ્યાએ, એમને ખાતરી આપવાની જગ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી એને ઢાંકી રહ્યાં છે. હું તમને કહેવા માગું છું કે તમને અને તમારા નેતાઓને 54 લાખ ખેડૂતો આગામી સમયમાં પોતાના ઘરમાં કે ગામમાં ઘૂસવા દેશે નહીં. અમે એનું પણ આંદોલન ચલાવીશું તમે એવું માનશો નહીં કે રાત્રે ત્રણ વાગ્યે 500 પોલીસને લાવીને તમે આ આંદોલનને રોકી લેશો આ ખેડૂતોના આંદોલન રોકાશે નહી. હવે આરપારની લડાઈ લડવાની છે.અમે તમારી પોલીસથી કે લાઠીચાર્જથી ડરવાના નથી. તમારામાં તાકાત હોય તો ગોળી મારી દેજો અમે ગોળી ખાવા માટે તૈયાર છીએ. અમે તમામ ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને લડત લડીશું.
ભાજપ ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે, તેમના પર લાઠી ચાર્જ કરે છે, તેમની હત્યાઓ કરે છે. આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગુજરાત સંભાળવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે. પરંતુ આ સરકારને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાબ આપશો અને 2027 માં પણ ભાજપના સુપડા સાફ કરી નાખશે. ગુજરાતના 54 લાખ ખેડૂતોને હું કહેવા માગું છું કે આજે બોટાદ યાર્ડનો મુદ્દો ઉઠ્યો છે. આવતીકાલે તમામ યાર્ડના મુદ્દા ઉઠાવવામાં આવશે. કોઈને બક્ષવામાં નહીં આવે. જેટલી લૂંટ આ લોકો કરે છે એ કોઈને નહીં છોડવામાં આવે પરંતુ તમે એકજૂટ થાવ. જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને ખેડૂત બનો. આપણે ખેડૂતોની સરકાર બનાવવાની છે. બોટાદમાં ભાજપના ઇશારે પોલીસ અત્યાચાર કરી રહી છે એમને પણ બક્ષવામાં નહીં આવે. બોટાદમાં આવતીકાલે બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે આ લડાઈનો અહીંયાથી અંત નથી. આ લડાઈની અહીંયાથી શરૂઆત છે.