આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી Gopal Italiaએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં અનેક ગંભીર ઘટનાઓ બની. બોટાદના લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના મૃત્યુ થયા, મોરબી કાંડમાં 150થી વધુ લોકોના મૃત્યુ થયા, હરણીકાંડમાં અનેક બાળકોના મૃત્યુ થયા, તક્ષશિલામાં બાળકોને મૃત્યુ થયા, રાજકોટની ગેમઝોન કાંડમાં અનેક લોકોના મૃત્યુ થયા, કાંકરીયા રાઇડ કાંડમાં લોકોના મૃત્યુ થયા, દાહોદની દીકરી સાથે બળાત્કારની ઘટના બની, જસદણમાં દીકરી સાથે બળાત્કાર થયો. જો ઘટનાઓની વાત કરીએ તો આવી હજારો ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે હું અને અમારી પાર્ટી કાયદાકીય અને સામાજિક રીતે અનેક વખતથી લડતા આવ્યા છીએ. આ દરમિયાન અમે કલેક્ટરોને મળીએ છીએ, એસપીને મળીએ છીએ, પીઆઇને મળીએ છીએ, હજારો વખત લોકોને મળવાથી, અરજીઓ કરવાથી અને કોર્ટમાં જવાથી પણ આજે ગુજરાતના લોકોને ન્યાય મળતો નથી.
દરેક ઘટનાના અંતે ભાજપના માણસો જનતાની ક્રૂર મજાક ઉડાવતા હોય એવા વાહિયાત નિવેદનો આપતા હોય છે. પોલીસ સરકારી જવાબ આપે, કોર્ટ કચેરીના ધક્કા ખાઈ ખાઈને પીડિત ન્યાયની આશા પણ છોડી દે છે, આવું અનેક વખત બનતું હોય છે. આજે જ્યારે હું અમરેલીની ઘટના પર બોલતો હતો, ત્યારે મને ખૂબ જ આઘાત લાગ્યો અને મને એમ થયું કે આ કઈ રીતે શક્ય છે કે ગુજરાતમાં કોઈને ન્યાય જ ન મળે. ન્યાય ન મળવાની સાથે સાથે ભાજપના લોકો એટલા ક્રૂર નિવેદનો કરતા હોય છે જેના કારણે દાઝ્યા પર મીઠું ભભરાવવા જેવું મહેસૂસ થતું હોય છે. હવે આવી અનેક ઘટનાઓ માટે અમે લડત લડ્યા પરંતુ કોઈ ઘટનામાં કોઈને ન્યાય નથી મળ્યો.
અમરેલીની ઘટનામાં પણ હું એસપીને મળ્યો રજૂઆત કરી, આવેદન-નિવેદનો કર્યા પરંતુ ન્યાય નથી મળતો. અને તમામ જગ્યાએ લડત આપ્યા પછી પણ ન્યાય નથી મળતો તે વાતની મને ખૂબ જ ઊંડે સુધી પીડા અનુભવાય છે, અને હું પીડિતને ન્યાય નથી અપાવી શકે તે માટે મેં ગુજરાતની જનતાની માફી માગી. તેની સાથે સાથે હું ન્યાય નથી અપાવી શક્યો તેના ભાગરૂપે મેં પોતાની જાતને પટ્ટાથી માર માર્યો. હજુ પણ સવાલ થાય છે કે આ દીકરીઓને અને અનેક પીડિત લોકોને ન્યાય કોણ અપાવશે? એનો એક જ જવાબ છે કે ફક્ત ગુજરાતની જનતા જ હવે આ તમામ લોકોને ન્યાય અપાવી શકે છે. ગુજરાતની લોકોની જે આત્મા સુઈ ગઈ છે, તેમની આત્મા જગાડવા માટે આજે મેં પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું અને વિશ્વાસ રાખું છું કે આ પટ્ટાના મારથી ગુજરાતની સુતી જનતાનો આત્મા જાગશે અને જે દિવસે હજારો, લાખો અને કરોડો લોકોની આત્મા જાગશે ત્યારે ગુજરાતમાં ન્યાયને કોઈ રોકી નહીં શકે અને ગુજરાતમાં અન્યાય માટે કોઈ સ્થાન નહીં હોય.