ગુજરાતમાં આજે નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ ચાલી રહી છે. અત્યાર સુધી 5 પાલિકાના સુકાનીની જાહેરાત થઈ ગઈ છે. જો કે, આ વચ્ચે સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના 15 સભ્યોને લઈ ચોટીલાના ધારાસભ્ય રફ્ફુચક્કર થઈ ગયા છે. જેથી નવાજૂની થાય તેવા એંધાણ છે.

ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ થાન નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો પૈકી 15 સભ્યોને લઈ અજ્ઞાત સ્થળે પહોંચી ગયા છે. તેઓ ચૂંટણી સમયે જ નગરપાલિકામાં સભ્યોને લઈને પહોંચશે. જેના કારણે આ નગરપાલિકામાં નવાજૂની થાય તેવા એંધાણ છે.

તો આ તરફ અત્યાર સુધી 5 નગરપાલિકાના પ્રમુખની જાહેરાત થઈ ગઈ છે. જેમાં લુણાવાડા નગરપાલિકામાં ડૉ. કિર્તી પટેલ, બાલાસિનોર નગરપાલિકામાં ગાયત્રીબેન ત્રિવેદી, સંતરામપુર નગરપાલિકામાં નિશાબેન મોદી, બિલીમોરા નગરપાલિકામાં મનીષ પટેલ અને ગઢડા નગરપાલિકામાં હિતેશ પટેલની વરણી થઈ ગઈ છે. હજુ જુનાગઢ મનપા સહિત અન્ય તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીની પ્રક્રિયા બાકી છે. જે હવે ગણતરીના સમય બાદ શરૂ થઈ જશે.

તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાઓની તેમજ 3 તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 68 પૈકી 62 નગરપાલિકાઓમાં તો ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આજે ચૂંટણી હોવાથી ગતરોજ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત ટોચના નેતાઓ હાજર રહ્યા.

આ બેઠકમાં મંથન કર્યા બાદ જૂનાગઢ મનપામાં મેયર અને ડે.મેયરના નામ પર મહોર વાગી ગઈ છે. મનન અભાણી અથા ધર્મેશ પોશિયા બંનેમાંથી એક મેયર બને તેવી શક્યતાઓ છે. તો ભાજપે આ સાથે જ 62 નગરપાલિકાઓ માટે પણ મેન્ડેટ તૈયાર કરી દેવાયા છે. જેથી આજે તમામ નગરપાલિકાઓમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવશે, તે નિશ્ચિત છે.