સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં પાંચ વર્ષ પેહલાના કૌટુંબિક વિવાદમાં થયેલી એક યુવકની હત્યાના કેસમાં શનિવારે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે ચાર આરોપીઓમાંથી એકને હત્યાનો દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યા.

કેસની વિગતો અનુસાર, વર્ષ 2020માં અમદાવાદના રહેવાસી આનંદ ઉર્ફે વિકાસ સલાડ, પુણાગામ ભૈયાનગરના રહેવાસી વિનોદ ઉર્ફે ઇનેશ દીપક પવાર, તેજ પ્રકાશ શિંદે અને રામા પ્રકાશ શિંદે વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આરોપ મુજબ, આનંદની પત્ની પતિના ત્રાસથી કંટાળીને લિંબાયતમાં રહેતા તેના ભાઈ મચ્છીન્દ્ર શંકર ભોંસલેના ઘરે આવી ગઈ હતી. મચ્છીન્દ્રે તેની બહેનને પતિ પાસે મોકલવાનો ઇનકાર કર્યો હતો. 28 ઓગસ્ટ, 2020ની રાત્રે ચારેય આરોપીઓ મચ્છીન્દ્રના ઘરે પહોંચ્યા અને તેના પર છરી વડે હુમલો કર્યો. આરોપીઓએ તેની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી, અને ત્યારબાદ આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન અધિક લોક અભિયોજક એન.કે. ગોલવાલા આરોપો સાબિત કરવામાં સફળ રહ્યા. અંતિમ સુનાવણી બાદ કોર્ટે એક આરોપી વિનોદ ઉર્ફે ઇનેશ દીપક પવારને હત્યાનો દોષી ઠેરવીને આજીવન કેદની સજા અને રૂ. 1,000ના દંડની સજા ફટકારી. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા.