CM Bhupendra Patel on women’s day: મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા “નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ” કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં મહિલાશક્તિનું અમૂલ્ય યોગદાન છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ ઉપરાંત વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ સમારોહમાં મહિલા કલ્યાણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એક શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને એક શ્રેષ્ઠ મહિલા કાર્યકરને “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર”થી મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત રાજ્યના ચાર ઝોનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને “માતા યશોદા એવોર્ડ” પણ એનાયત કરવામાં આવ્યા હતા.
રમત-ગમત, સામાજિક, સંરક્ષણ, ઉદ્યોગ, કલા-સંસ્કૃતિ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોની મહિલા અગ્રણીઓ સાથે મુખ્યમંત્રીએ પ્રત્યક્ષ સંવાદ કરીને મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને મહિલાઓના કલ્યાણ તથા સ્વાસ્થ્ય સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓની છણાવટ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર હંમેશા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે મહિલાઓની પડખે ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે એવો વિશ્વાસ ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીને નવું સાહસ કરે છે, ત્યારે અનેક સામાજિક પડકારો સામે આવે છે. પરંતુ, આ અવરોધોને પાર કરીને સફળ થયેલી મહિલાઓ દેશની અન્ય લાખો બહેનો માટે પ્રેરણાનું કિરણ બને છે. તેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાહસિક મહિલાઓને સમાજના સાચા ‘રોલ મોડેલ’ ગણાવ્યા હતા.
ગુજરાતમાં નારી સશક્તિકરણના મોડેલ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ નવતર પહેલો કરીને રાજ્યની અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં સહાયતા કરી છે. રાજ્યમાં હાલ ૨.૭૦ લાખથી વધુ સખીમંડળો કાર્યરત છે. આ મંડળોના માધ્યમથી રાજ્યની લાખો બહેનોને કૌશલ્યવર્ધન તાલીમ આપીને રોજગારી સાથે જોડવામાં આવી છે. આ આંકડાઓ જ સાબિત કરે છે કે, મહિલાઓ રાજ્યના આર્થિક નિર્માણમાં મજબૂત ભાગીદાર છે.
ગુજરાતની દીકરીઓ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ડંકો વગાડે તે માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની વધુમાં વધુ દીકરીઓ વિજ્ઞાન પ્રવાહ તરફ વળે તે માટે સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી ક્રાંતિકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ હેઠળ ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને રૂ. ૫૦,૦૦૦ થી રૂ. ૭૫,૦૦૦ સુધીની સહાય આપીને શિક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે.
મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને યોગ્ય પ્રોત્સાહન આપીને રાજ્યમાં એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે, તેનો અનેક મહિલા ઉદ્યોગ સાહસિકોને લાભ મળ્યો છે. રાજ્યની વધુમાં વધુ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા તરફ વાળીને તેમને ‘જોબ સીકરમાંથી જોબ ગીવર’ બનાવવાનો અમારો મક્કમ નિર્ધાર છે તેમ મુખ્યમંત્રીએ દ્રઢતાપૂર્વક ઉમેર્યું હતું.
ખાસ કરીને ‘હોમ-બેઝ્ડ સ્ટાર્ટઅપ’ કરતી બહેનોને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં તેમને યોગ્ય કેટેગરીમાં સમાવી વધુ આર્થિક મદદ પૂરી પાડવાની દિશામાં સરકાર સક્રિય વિચારણા કરી રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનીષાબેન વકીલે રાજ્યની નારીશક્તિના પ્રદાનને બિરદાવ્યું હતું. આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણે સમાજને કંઈક આપીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં આપણે ઘણું પાછું મેળવીએ છીએ. મહિલાઓ કુદરતી રીતે જ ત્યાગ અને સમર્પણની ભાવના ધરાવે છે. આ મંત્ર મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે વધુ સદ્ધર બનાવવાની સાથે સમાજમાં તેમના યોગદાનને નવી ઓળખ અપાવશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર મહિલાઓના શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે અને ‘નારી ગૌરવ સંવાદ’ જેવા કાર્યક્રમો દ્વારા મહિલાઓના પ્રશ્નો અને તેમના સૂચનો સીધા સરકાર સુધી પહોંચે અને યોગ્ય સુધારાત્મક ઉપાયો-પગલાંઓ લઈ શકાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ પદ્મ એવોર્ડી મહિલાઓ, નીતિ આયોગ દ્વારા પુરસ્કૃત મહિલાઓ, સામાજિક ક્ષેત્રે કામગીરી કરતી મહિલાઓ, રમત-ગમત અને કલા જગતની ખ્યાતનામ મહિલાઓ, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલી મહિલાઓ ઉપરાંત રાજ્યની સાંસ્કૃતિક હસ્તકલા સાથે જોડાયેલી પ્રતિભા સંપન્ન મહિલાઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો.
આ નારીરત્નોએ પણ રાજ્ય સરકારના મહિલા કલ્યાણ માટેના અભિગમ અને આયોજનની સરાહના કરી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની ભૂમિકા આપી હતી.
ICDS કમિશનર રણજીત કુમાર સિંહ તેમજ વિભાગના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.





