CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ~ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ પાંચ જેટલી શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલય ના બાળકો પહોંચ્યાં હતાં.
આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિ તારીખ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાન નું ઋણ સ્વીકાર કરતાં સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે.

CM Bhupendra Patelએ પણ શિક્ષક દિન અવસરે પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાળા ના શિક્ષકો પણ જોડાયા હતા.