India Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, ગુજરાતના સાત એરપોર્ટ પર NOTAM જારી કરવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા જમ્મુથી જેસલમેર સુધીના અનેક સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલો કરવાના પ્રયાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. NOTAM જારી કર્યા પછી, આ 7 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઇટ કામગીરી રદ કરવામાં આવી છે.
દેશ ગુજરાતના અહેવાલ મુજબ, આ પ્રતિબંધ 9 મે સુધી ચાલુ રહેશે. માહિતી અનુસાર, દેશભરના 24 એરપોર્ટ માટે NOTAM જારી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભૂજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર આ પ્રતિબંધ આજે રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે જ્યાં સુધી તેને લંબાવવાનો આદેશ જારી ન થાય.
ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાતના સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના ઘણા ભાગોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. કચ્છ અને બનાસકાંઠા બંને જિલ્લાઓ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.
અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે પાકિસ્તાનના કોઈપણ આક્રમક પગલાને નિષ્ફળ બનાવવા માટે સાવચેતીના પગલા તરીકે ભુજ, નલિયા, નખત્રાણા અને ગાંધીધામ શહેરો સહિત કચ્છના ઘણા ભાગોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
તેવી જ રીતે, બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના અનેક સરહદી ગામોમાં અંધારપટ જાહેર કરવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. દિવસ દરમિયાન, ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ગામ નજીક એક દૂરના સ્થળે ‘ડ્રોન’ જેવી વસ્તુનો કાટમાળ મળી આવ્યો હતો. આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદની નજીક છે.