આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના 30 વર્ષમાં શાસનમાં હત્યાઓ, બેફામ લૂંટપાટ, ભાજપના નેતાઓના અત્યાચાર, ભાજપના નેતાઓના માસુમ દિકરીઓ પર અત્યાચાર અને બળાત્કાર કરવામાં આવ્યા અને દીકરીઓના સર્કસ કઢાવવામાં આવ્યા છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. અને ભાજપ જાણે છે કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકે તેમ છે એટલા માટે આમ આદમી પાર્ટી(AAP)ને ભાજપ તોડવા માંગે છે. અગાઉ પણ રાષ્ટ્રીય લેવલે પણ અરવિંદ કેજરીવાલ સહિત નેતાઓને જેલમાં નાખીને અનેકવાર આમ આદમી પાર્ટીને તોડવાની કોશિશ કરી, પરંતુ આમ આદમી પાર્ટીના કોઈ નેતા વિરુદ્ધ કોઈપણ પુરાવા મળ્યા નહીં. સુપ્રીમ કોર્ટે પણ આખરે કહ્યું કે સીબીઆઇ અને ED પાલતુ તોતાની જેમ કામ કરે છે.

હાલ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ સહ પ્રભારી દુર્ગેશ પાઠકે છેલ્લા પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં 50 જેટલી મિટિંગો કરી અને ગુજરાતના સંગઠનને મજબૂત બનાવવા માટે જબરદસ્ત પગલા લીધા. જેનાથી ડરીને ભાજપે સહ પ્રભારી દુર્ગેશ પાઠકને રોકવા માટે આજે તેમના પર સીબીઆઇની રેડ કરાવી છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે તે સ્પષ્ટપણે દેખાય છે. જો ભાજપમાં તાકાત હોય તો તે લોકો ચીનને લાલ આંખ બતાવે. પરંતુ આ લોકો ફક્ત વિપક્ષને દબાવવા માંગે છે. દુર્ગેશ પાઠક ગુજરાતમાં આવે નહીં અને ગુજરાતમાં કામ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ના શકે તે માટે તેમના પર સીબીઆઇની રેડ કરવામાં આવી છે. પરંતુ આમ આદમી પાર્ટીના કોઈ નેતા કે કોઈ કાર્યકર્તા આવી ઘટનાઓથી ડરશે નહીં.

ગત વિધાનસભા ચૂંટણીમાં ફક્ત છ મહિનાની મહેનત બાદ આમ આદમી પાર્ટીને 41 લાખ વોટ મળ્યા હતા અને 5 ધારાસભ્યો જીત્યા હતા એટલે આ વખતે ભાજપ જાણે છે કે ત્રણ વર્ષના સમયમાં આમ આદમી પાર્ટી મહેનત કરીને ચોક્કસ સરકાર બનાવશે. અને આ વખતે તો ભાજપથી ત્રાહિમામ પોકારેલી ગુજરાતની જનતા પોતે ભાજપને ભગાડવા માટે તૈયાર છે અને આમ આદમી પાર્ટી તો ફક્ત નિમિત બનશે. 30 વર્ષથી મોંઘવારીમાં, બેરોજગારીમાં, પેપર ફોડવામાં અને ગુનાઓથી ખેડૂતો મહિલાઓ યુવાનો સહિત તમામ લોકો પરેશાન છે અને આ તમામ ઘટનાઓ માટે જનતા પોતે બદલો લેશે. ગમે તેટલી ED અને સીબીઆઈની રેડ કરવામાં આવે પરંતુ ગુજરાતની જનતા આ વખતે પરિવર્તન લાવીને રહેશે અને ભાજપને ભગાડી દેશે.