Gopal Italia News: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italia અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આજે કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરના દર્શન કર્યા હતા અને આઈ શ્રી ખોડીયાર માતાજીના આશીર્વાદ લીધા હતા. AAP ધારાસભ્ય Gopal Italia અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ માતાજીના આશીર્વાદ લઈને ખેડૂતો, મજૂરો, પશુપાલકો, રત્નકલાકારો સહિત ગુજરાત અને દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને ટ્રસ્ટ દ્વારા આમ આદમી પાર્ટીના બંને નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય Gopal Italia અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયા, કિશોર સવાલિયા, દિનેશ ઘોણીયા, જયસુખ પાઘડાળ, ધવલ કથીરિયા, રાકેશ સાવલિયા, મહેશભાઈ કોટડીયા, શિવલાલ બારસીયા, રાહુલ ભુવા, ચેતન કમાણી, દિલીપસિંહ વાઘેલા સહિતની ટીમ અને ૫૦૦ કરતા વધુ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો શોભા વધારી હતી.
આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે કાગવડ ખાતે ખોડલધામમાં આઈ શ્રી ખોડીયાર માતાના દર્શન કરવાનો અવસર મળ્યો છે એ બદલ હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું. મને ખૂબ જ નાની ઉંમરે સમાજના પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળી છે, એમાં મને તમામ લોકોના આશીર્વાદ મળ્યા છે. પરંતુ જ્યારે આપણે સમાજના અને માઁ ના પ્લેટફોર્મ પર આવીએ ત્યારે એક દીકરો બનીને આપણે આ સ્થળ પર આવવાનું હોય છે કારણ કે આપણે ગમે તેટલા મોટા મંત્રી, સંત્રી, તંત્રી બની જઈએ પરંતુ આપણે આપણા માઁ થી મોટા ક્યારેય બની શકતા નથી. મેં આજે માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે કે અમને શક્તિ આપો, બુદ્ધિ આપો, મતિ આપો. માણસ જાતે કશું કરી શકતો નથી, માટે મેં માતાજીને પ્રાર્થના કરી કે તમે જે પણ સારા કામ કરાવવા માંગતા હોય તેના નિમિત્ત ગોપાલ ઇટાલીયા અને મારી ટીમને બનાવજો. માતાજીનો આશીર્વાદ મળે અને સમાજનો સાથ મળે તો આપણે સાથે મળીને સમાજ માટે ખૂબ જ સારા કામ કરી શકીએ છીએ. હું આજે સમગ્ર ખોડલધામ પરિવારનો આભાર માનું છું અને હું વિનંતી કરું છું કે હું ઉંમરમાં, રાજકારણમાં, અનુભવમાં, પદમાં દરેક રીતે આપ સૌ થી ખૂબ જ નાનો છું તો મારો ઘડતર કરજો મને શીખવાડજો મને સમજાવજો અને હું આપ સૌનો હાથ પકડીને આગળ વધીશ.