સુરત: સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે “નો-ડ્રગ્સ ઇન સુરત સિટી” અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. જલગાંવથી સુરતમાં MD ડ્રગ્સની ડિલિવરી લાવનાર આરોપી એજાઝ ઉર્ફે નાના શેખની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉમરવાડા ચીમની ટેકરા, સલીમનગર ઝૂંપડપટ્ટીમાં આવેલા ઘર નંબર 14/811-161ના પ્રથમ માળના રૂમમાંથી આરોપી પાસેથી 198.76 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરી, જેની કિંમત આશરે 20 લાખ રૂપિયા છે. આ સાથે એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી એજાઝે આગળ પણ ચાર મહિના પહેલા આવી જ ડ્રગ્સનો જથ્થો લાવીને વેચેલો હતો. તે મૂળ જલગાંવ, મહારાષ્ટ્રનો રહેવાસી છે અને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે. આરોપીએ જલગાંવથી ટ્રેન મારફતે સુરત આવીને પોતાની બહેનના ઘરે ડ્રગ્સ રાખ્યા હતા. આ કાર્યવાહી દ્વારા પોલીસે ડ્રગ્સના ગેરકાયદે રેકેટનો પર્દાફાશ કરીને સુરત શહેરમાં નશીલા પદાર્થોની દાણચોરી રોકવાની દિશામાં મહત્વની સફળતા હાંસલ કરી છે. આરોપીની વધુ તપાસ હાલ ચાલુ છે.