Gopal Italia News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગત તારીખ 17 માર્ચના રોજ વિધાનસભામાં અલગ અલગ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરી હતી. તેઓએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ધારાસભ્યોને અઢી કરોડની ગ્રાન્ટ મળે છે પરંતુ આ ગ્રાન્ટ પ્રમાણસરની નથી, જે બાબતે આજે મેં રજૂઆત કરી હતી. જેમ કે સુરતની કરંજ વિધાનસભામાં મતદાર પોણા બે લાખ પણ નથી, જ્યારે અબડાસા વિધાનસભામાં પાંચ લાખ મતદાર છે, કામરેજમાં ચાર લાખ મતદારો છે, તો આ રીતે દરેક વિધાનસભામાં મતદારોની સંખ્યા અલગ અલગ છે. લગભગ દોઢ લાખથી લઈને સાડા પાંચ લાખ મતદાર ધરાવતી વિધાનસભાની સીટો હોય છે તો દોઢ લાખ વસ્તી ધરાવતા વિસ્તારને પણ અઢી કરોડ અને સાડા પાંચ લાખની વસ્તી ધરાવતા વિસ્તારને પણ અઢી કરોડની ગ્રાન્ટ મળતી હોય તે કેવી રીતે ચાલે? તો કઈ વિધાનસભામાં કેટલી નગરપાલિકા છે, ગામડા કેટલા છે અને જો મહાનગરમાં છે તો મહાનગરના કેટલા વિસ્તારમાં એ વિધાનસભા આવેલી છે, એ જોઈને ગ્રાન્ટ નક્કી કરવામાં આવે. કારણ કે સો ટકા ગ્રામીણ વિસ્તાર હોય તો ત્યાં વધુ ગ્રાન્ટની જરૂર પડે અને 50% કે 50%થી વધુ શહેરી વિસ્તાર હોય તો ત્યાં ઓછી ગ્રાન્ટની જરૂર પડે. જેમકે સુરત અને અમદાવાદ જેવા મહાનગરોના બજેટ જ 10-12 હજાર કરોડના છે. આવા વિસ્તારમાં બધા કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા હોય છે તો શહેરોમાંથી આવતા ધારાસભ્યોને રોડ, રસ્તા, ગટર, બાગ-બગીચા માટે કોઈ ખાસ બજેટની જરૂરત હોતી નથી. જ્યારે ગામડામાં આ બધા કામો ધારાસભ્યએ કરવા પડતા હોય છે. તો ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, સરહદી વિસ્તાર, વન્ય વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર, એ તમામ બાબતોની ચકાસણી કરીને ધારાસભ્યોની ગ્રાન્ટ ફાળવવામાં આવવી જોઈએ. મારા મત વિસ્તારમાં લગભગ 160 ગામડાઓ છે અને એક નગરપાલિકા છે, તો મને જે ગ્રાન્ટ મળે છે એ આ તમામ 160 ગામડાઓ માટે પૂરતી નથી. તો આ બાબતે આજે મેં સરકારનું ધ્યાન દોર્યું હતું, તો આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતે સુધારો કરે.
વધુમાં ધારાસભ્ય Gopal Italiaએ જણાવ્યું હતું કે, બીજો એક ગંભીર મુદ્દો એ છે કે વિસાવદરથી સાસણનો રસ્તો 20 વર્ષથી બન્યો નથી. કાછિયા નેસથી સાસણનો રસ્તો 14 કિલોમીટરનો છે, એ રસ્તો 20 વર્ષથી નહીં બનવાના કારણે વિસાવદરના લોકોએ મેંદરડા થઈને 65 કિલોમીટર ફરીને જવું પડે છે. સાથે સાથે ધારી તાલુકો, બગસરા તાલુકો, તાલાલા તાલુકો, મેંદરડા તાલુકો, ભેસાણ તાલુકો, વિસાવદર તાલુકાના લોકોને તકલીફ પડે છે. ગત વખત સરકારે 242 કરોડ મંજૂર કર્યા હતા રસ્તો બનાવવા માટે પણ રસ્તો બન્યો જ નહીં અને બજેટ ફળવાઇ ગયું. આ વખતે બજેટમાં 272 કરોડ મંજૂર થયા છે. આ રસ્તો બનતો નથી તેના મુદ્દે મેં સરકારના મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી અને અધ્યક્ષના માધ્યમથી વિધાનસભામાં પણ રજૂઆત કરી. તો આશા રાખીએ છીએ કે આ કામ હવે પૂરું થઈ જશે.
વધુમાં ધારાસભ્ય Gopal Italiaએ જણાવ્યું હતું કે, બીજી એક ગંભીર બાબત એ છે કે ભાજપ સરકારે ચૂંટણી ગાયબ કરવાનો કારસો રચ્યો. ચૂંટણી પર વિધાનસભામાં વર્ષોથી ચર્ચા થતી આવી છે પરંતુ આ વખતે ભાજપના લોકોએ ચૂંટણી પર ચર્ચા ન થાય એવું કામ કર્યું. તો સવારે મેં પોઇન્ટ ઓફ ઓર્ડરના માધ્યમથી ગૃહનું ધ્યાન આ તરફ દોર્યું કે ચૂંટણીની ચર્ચા કેમ નહીં થઇ? સરકારે નવ તારીખે લખીને આપ્યું હતું કે ચૂંટણીની ચર્ચા થશે અને આ ચર્ચા પર કાપ દરખાસ્ત પણ રજૂ થઈ હતી, મેં પોતે પણ કાપ દરખાસ્ત રજૂ કરી હતી. અને આજે ચૂંટણીની ચર્ચાથી ભાજપ સરકાર ભાગી ગઈ આ વસ્તુ બતાવે છે કે આમ આદમી પાર્ટીથી ભાજપ સરકાર ડરે છે. સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવ્યા છે તો પછી આની ચર્ચા કેમ નહીં થાય? 240 કરોડ રૂપિયા જનતાના પૈસા છે તો આના પર ચર્ચા થવી જોઈએ પરંતુ આ ચર્ચા નથી થઈ તો આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું અને મારો વિરોધ પણ દર્શાવું છું.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, સાથે સાથે મેં એ પણ ચર્ચા કરી કે 200 કરોડના ખર્ચે MLA માટે નવા નિવાસ સ્થાન બન્યા, પરંતુ આખા સંકુલમાં ક્યાંય લાઇબ્રેરી જ નથી. તો આજે MLAના રહેવા માટે બનાવેલા સદસ્ય નિવાસમાં ઘણા ધારાસભ્યો પરિવારો સાથે રહે છે, તેમના બાળકો ભણતા હશે, સાથે સાથે ઘણા ધારાસભ્યો અભ્યાસુ પણ છે તો પોતે વાંચવાની આદત ધરાવે છે અને વિધાનસભાની માહિતીને વાંચવા માટે રસ ધરાવતા ધારાસભ્યો પણ છે અને મેં અમારો પોતાનો દાખલો પણ આપ્યો કે મારે સંસદીય પ્રણાલી અને વિધાનસભાની જૂની ચર્ચાઓ વિશે વાંચવું હોય તો હું ક્યાં જઈને વાંચું? તો 200 કરોડના ખર્ચે બનેલા સદસ્ય નિવાસમાં એક લાઇબ્રેરી તો હોવી જ જોઈએ ને? ત્યાં કોમ્પ્યુટર હોવા જોઈએ, થોડા ઘણા પ્રિન્ટરો પણ હોવા જોઈએ, પુસ્તકો હોવા જોઈએ. તો આ મુદ્દે આજે રજૂઆત કરી છે પરંતુ સવાલ છે કે હવે એ લોકો લાઈબ્રેરી ક્યાં બનાવશે? આખા કેમ્પસમાં રમતગમતનો કોર્ટ બનાવ્યો, સ્વિમિંગ પુલ બનાવ્યો, ગાર્ડન બનાવ્યું, તો લાઇબ્રેરી ક્યાં ગઈ? આજે મેં આટલી બાબતો સરકાર સમક્ષ રજૂ કરી અને આશા રાખીએ છીએ કે આ મુદ્દે સરકાર કામ કરશે.





