Gujarat rain: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સતત મોનીટરીંગ કરીને રાહત બચાવ કામગીરી NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે યુધ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.

રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી છે. જેને ધ્યાને લઈ છેલ્લા બે દિવસમાં કુલ 14,552 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે જેમાં સુરત જિલ્લામાં 3707 નાગરિકો, નવસારીમાં 2978, વડોદરામાં 1877, પોરબંદરમાં 1560 નાગરિકોને સ્થળાંતરીત કરાયા.

આ ઉપરાંત ભારે વરસાદના કારણે પોતાના વિસ્તારમાં ફસાઈ ગયેલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ 1617 નાગરિકોનું રેસ્ક્યું કરવામાં આવ્યા છે.

આજે નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત આશ્રિતોના વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગતરાત્રીએ સુરતના મહુવા તાલુકામાં બે કલાકમાં સાડા 4  ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં પ્રસાશન દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. જેમાં મહુવા તાલુકાના મહુવા, રાણત, બુધલેશ્વર અને મિયાપુર ગામમાંથી કુલ 171 લોકોની પ્રાથમિક શાળા અને શોપિંગ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.