Reshma Patel AAP: આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ Reshma Patelએ એક વિડીયોના માધ્યમથી ગૃહમંત્રીનું રાજીનામું માંગતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે માતા બહેન દીકરીઓ સલામત નથી માટે ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે અને તેમના સ્થાન પર હવે કોઈ મહિલા મંત્રીને સ્થાન આપવામાં આવે તેવી મારી માંગ છે. કારણ કે NCRBના જે આંકડા સામે આવ્યા છે, તે આંકડા ગુજરાતમાં મહિલા સુરક્ષા સામે ખૂબ જ મોટા સવાલો ઊભા કરી રહ્યા છે. ફક્ત એક વર્ષમાં ગુજરાતમાં 635 મહિલાઓ સાથે બળાત્કાર અને ઘણી મહિલાઓ સાથે સામુહિક બળાત્કાર પણ થયા છે. સગર્ભા બહેનો, દિવ્યાંગ બહેનો, મોટી ઉંમરની માતાઓ અને નાની ઉંમરની દીકરીઓ પણ બળાત્કારનો ભોગ બની છે. રોજેરોજ બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ફક્ત પોતાના ગૃહ ખાતાના વખાણ કરતા હોય છે, હવે તેમણે આ વખાણ બંધ કરવા જોઈએ.
જે આંકડાઓ સામે આવ્યા છે તેના પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. ગુજરાત મોડલમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી. ગૃહમંત્રીના કહેવા અનુસાર જો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તો આ નરાધમોની હિંમત કેમ થાય છે દીકરીઓ સાથે બળાત્કાર કરવાની? દીકરીઓ પિંખાઈ રહી છે તેમ છતાં પણ તમે મોટી મોટી વાતો કરો છો. ગૃહમંત્રી હર્ષભાઈ તમે આ ખુરશીને લાયક નથી. ગુજરાતની દીકરીઓ વતી હું કહું છું કે તમે રાજીનામું આપો અને તમારા સ્થાને કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો, જેથી કરીને તે મહિલા ગૃહમંત્રી માતા બહેન દીકરીઓની પીડાને સમજી શકે. આમ પણ મંત્રીમંડળ બદલાવાનું છે તો હવે તમે તમારી ખુરશી ખાલી કરો.