રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદીએ Gujaratના એકતા નગરમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અમારા પ્રયાસોને કારણે દેશમાં નક્સલવાદ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. ભારતની બહાર અને અંદરની શક્તિઓ દેશને અસ્થિર કરવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું, ‘છેલ્લા 10 વર્ષનો સમયગાળો ભારતની એકતા અને અખંડિતતા માટે અભૂતપૂર્વ સિદ્ધિઓથી ભરેલો રહ્યો છે. આજે સરકારના દરેક કામ અને દરેક મિશનમાં રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાઈ રહી છે.
વડા પ્રધાને કહ્યું, આતંકવાદીઓના ‘માસ્ટર’ હવે સમજી ગયા છે કે ભારતને નુકસાન પહોંચાડવાથી કોઈ ફાયદો થશે નહીં, કારણ કે ભારત તેમને છોડશે નહીં! પૂર્વોત્તરે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ અમે વાતચીત, વિશ્વાસ અને વિકાસ દ્વારા અલગતાવાદની આગને બુઝાવી દીધી છે. બોડો અને બ્રુ-રીઆંગ કરારોએ શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરી છે. નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા સાથેના કરારથી લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિનો અંત આવ્યો છે. ભારત શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર યાદ કરતા PMએ કહ્યું, ‘વિકાસ અને વિશ્વાસની એકતા જ શ્રેષ્ઠ ભારતના નિર્માણને પ્રોત્સાહન આપે છે. દરેક યોજના, નીતિ અને ઈરાદામાં એકતા એ આપણી પ્રાણશક્તિ છે. આ જોઈને સરદાર સાહેબનો આત્મા જ્યાં પણ છે, તે આપણને આશીર્વાદ આપતો જ હશે.
PMએ કહ્યું કે આજનો ભારત શક્તિ અને શાંતિ બંનેનું મહત્વ જાણે છે. તેમણે કહ્યું, ‘આજે આપણી સામે એક ભારત છે, જેની પાસે વિઝન, દિશા અને સંકલ્પ છે. એવું ભારત… જે મજબૂત અને સર્વસમાવેશક બંને છે. જે સંવેદનશીલ અને સતર્ક બંને છે. જે નમ્ર છે અને વિકાસના માર્ગ પર પણ છે. જે શક્તિ અને શાંતિ બંનેનું મહત્વ જાણે છે.’