Navratri 2025: આસો માસની નવરાત્રિને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે જે ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાથી આ પર્વ ઉજવવામાં આવે છે તે ખાસ હોય છે, પરંતુ આ વર્ષે શારદીય નવરાત્રિમાં એક વિશેષતા ઉમેરાઈ છે. સામાન્ય રીતે નવરાત્રિ 9 દિવસ સુધી જ ઉજવાય છે, પરંતુ તિથિ વધવાના કારણે આ વર્ષે નવરાત્રિ 10 દિવસ સુધી ચાલશે. ભક્તો માટે આ વધારાનો એક દિવસ ખૂબ જ શુભ અને સૌભાગ્યદાયક માનવામાં આવી રહ્યો છે.

22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નવરાત્રિ, 2 ઓક્ટોબરે દશેરા

આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત 22 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને 1 ઓક્ટોબર સુધી ચાલશે. આ વચ્ચે ત્રીજની તિથિમાં વધારો થવાને કારણે 24 અને 25 સપ્ટેમ્બર બંને દિવસ ત્રીજ ગણાશે. પરિણામે નવરાત્રિના દિવસોમાં એક દિવસનો વધારો થવાથી 10 દિવસની ઉજવણી થશે. ત્યારબાદ 2 ઓક્ટોબરના રોજ વિજયાદશમી એટલે કે દશેરાનો પર્વ ઉજવાશે. આ દિવસે માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરીને ભક્તો ઉત્સવ પૂર્ણ કરશે.

નવરાત્રિના ખાસ તિથિઓ

  • આઠમ: 30 સપ્ટેમ્બર, 2025
  • મહાનવમી: 1 ઓક્ટોબર, 2025
  • દશેરા (વિજયાદશમી): 2 ઓક્ટોબર, 2025

આ તમામ દિવસોમાં દેશભરમાં વિશેષ પૂજા, હવન, દંડિયા-ગરબા અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

ઘટસ્થાપનાનો શુભ સમય

શારદીય નવરાત્રિની શરૂઆત પ્રતિપદા તિથિથી થાય છે. આ વર્ષે આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા 21 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રે 1.24 વાગ્યે શરૂ થશે અને 22 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 2.55 વાગ્યે પૂર્ણ થશે. ઉદયતિથિ પ્રમાણે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે હસ્ત નક્ષત્રનું યોગ બપોરે 11.55 પછી આવશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

22 સપ્ટેમ્બર માટે 3 મુખ્ય મુહૂર્ત

  • અમૃત મુહૂર્ત: સવારે 6.19 થી 7.49
  • શુભ મુહૂર્ત: સવારે 9.14 થી 10.49
  • અભિજિત મુહૂર્ત: સવારે 11.55 થી 12.43

આ મુહૂર્તોમાં કરવામાં આવેલ ઘટસ્થાપન ખાસ પુણ્યપ્રદ અને સફળતા આપનાર ગણાય છે.

માતાની સવારીનું વિશેષ મહત્વ

આ વર્ષે માતા દુર્ગાનું આગમન ગજરાજ (હાથી) પર થવાનું છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, હાથીની સવારી પર માતાનું આગમન સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવનાર માનવામાં આવે છે. આ સાથે સમાજમાં આનંદનો માહોલ ફેલાય છે.

જ્યારે વિદાયના સમયે માતાજી માનવના ખભા પર સવાર થઈને પ્રસ્થાન કરશે. તેને પણ શુભ માનવામાં આવે છે. આથી ધાર્મિક માન્યતા મુજબ વેપારમાં વૃદ્ધિ થશે, સંબંધોમાં સુધારો થશે અને સમાજમાં શાંતિ-સૌહાર્દ વધશે.

ભક્તિભાવ અને ઉત્સવની તૈયારીઓ

દેશભરમાં, ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ દંડિયા અને ગરબાના રંગોથી ઉજવાય છે. આ વર્ષે 10 દિવસ સુધી ચાલનારી નવરાત્રિને કારણે ભક્તોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં વિશેષ આરતી અને પૂજાનું આયોજન થશે, તો બીજી તરફ ગરબા-મહોત્સવોમાં પણ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળશે.

શહેરના મોટા મંદિરોમાં તો ખાસ આકર્ષણ માટે રોશની અને સજાવટના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, આ વર્ષે તિથિ વધવાથી ઉત્સવ લાંબો થવા જઈ રહ્યો હોવાથી વેપારીઓ માટે પણ સારો સમય રહેશે.

જ્યોતિષીઓની માન્યતા

જ્યોતિષશાસ્ત્ર મુજબ તિથિ વધવાથી મળતો વધારાનો દિવસ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. 10 દિવસ સુધી ચાલનારી નવરાત્રિ માતા દુર્ગાની આરાધનામાં વધુ સમય આપવા માટેનો અવસર બની રહેશે. એવું માનવામાં આવે છે કે, આ વર્ષે કરાયેલી ભક્તિ, ઉપવાસ અને પૂજાઓના ફળ અનેકગણાં વધી જશે.

આ પણ વાંચો