Navratri 2025: આખરે નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓની આતુરતાનો અંત આવ્યો છે. નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ત્યારે નવરાત્રિમાં ડીજે સાઉન્ડથી થતાં ધ્વનિ પ્રદૂષણને લઈ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના ચુકાદા અને સત્તાધીશો દ્વારા જાહેર માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરાવવા સરકારને નિર્દેશ કર્યો હતો. પરંતું કોર્ટના હુકમના તિરસ્કાર અંગે ચાલી રહી સુનાવણીમાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

મળતી માહિતી અનુસાર કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે, રસ્તાઓ પર 20-20 ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતા અવાજ હોય અને છતાં પોલીસ-દ્વારા પગલાં ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. ડીજેનું ભયંકર ન્યૂસન્સ તમારું માથું ફાડી નાખે છે, જે અસહનીય હોય છે. તેમજ હાઇકોર્ટે પોલીસ અને સંબંધિત સત્તાધીશોને ધ્વનિ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરી હતી.