Raju Solanki AAP: મહુવા તાલુકાના બગદાણા ગામના આગેવાન તથા કોળી સમાજના મજબૂત આગેવાન એવા નવનીત બાલધીયા પર 8 જેટલા અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને અનુસંધાને ભાવનગરથી માંધાતા સંગઠનના પ્રમુખ અને કોળી સમાજના મજબૂત આગેવાન તથા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ ગતરોજ હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈ બાલધિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે AAP નેતા રાજુભાઈ સોલંકીની સાથે સાથે આમ આદમી પાર્ટીના ઓબીસી સેલના પ્રદેશ ઉપપ્રમુખ તથા મહુવા વિધાનસભાના પ્રભારી એડવોકેટ રાજેન્દ્ર બારૈયા અને અન્ય પદાધિકારી અને કાર્યકર્તાઓ પણ નવનીત ભાઈની મુલાકાતે પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સાથ આપવાની AAP નેતા રાજુભાઈ સોલંકીએ ખાતરી આપી હતી.

AAP નેતા રાજુભાઈ સોલંકીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, કોળી સમાજના આગેવાન નવનીત બાલદીયા પર આઠ જેટલા અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો અને નવનીતભાઈનો આક્ષેપ છે કે માયાભાઈ આહીરના દિકરા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ માયાભાઇ આહીરના દીકરા વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધી રહી નથી અને “તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે” નું રટણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સોલંકીએ બધાની હાજરીમાં SP સાથે ફોન પર વાત કરી હતી અને આ મુદ્દે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. રાજુભાઈ સોલંકીએ નવનીત ભાઈને ખાતરી આપી છે કે તેમને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે તેમની સાથે છીએ.