Narmada: નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમમાં હાલમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. મધ્ય પ્રદેશના ઉપરવાસ વિસ્તારોમાં વરસાદ ઓછો થતા ઓમકારેશ્વર ડેમમાંથી છોડાતા પાણીનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું છે, જેના સીધા પ્રભાવરૂપે સરદાર સરોવર ડેમ સુધી પહોંચતા જળપ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવાર (5 સપ્ટેમ્બર) રાત્રે 9 વાગ્યે ડેમના 23માંથી 8 દરવાજા બંધ કરાયા હતા. પરિણામે નર્મદા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે થોડોક રાહતનો માહોલ સર્જાયો છે.
હાલની સ્થિતિ
મળતી માહિતી મુજબ હાલ ડેમના 15 દરવાજા 3.10 મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીની સપાટી 136.32 મીટર સુધી પહોંચી ગઈ છે, જે ઓવરફ્લોની સપાટીથી માત્ર 2.54 મીટર નીચે છે. હાલમાં ડેમ 91.59 ટકા ભરાઈ ચૂક્યો છે, એટલે કે નદી કાંઠાના ગામડાઓ માટે આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી રહે તે અંગે તંત્ર સતર્ક નજર રાખી રહ્યું છે. અધિકારીઓનું માનવું છે કે આ વર્ષે સરદાર સરોવર ડેમ પહેલીવાર 100 ટકા ક્ષમતા સુધી ભરાવાની પૂરી શક્યતા છે.
છઠ્ઠી વાર 23 દરવાજા ખોલાયા
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમના તમામ 23 દરવાજા છઠ્ઠી વાર ખોલવાની ફરજ પડી હતી. પહેલીવાર 2019માં ભારે વરસાદને કારણે ડેમના બધા દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ 2020, 2022, 2023, 2024 અને 2025માં ફરીથી આ પરિસ્થિતિ ઉભી થઈ હતી.
- નવમી ઓગસ્ટ 2019માં મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં વધેલા જળપ્રવાહને કારણે 26 દરવાજા ખોલવા પડ્યા હતા.
- એ જ વર્ષની જુલાઈમાં 22 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
- વર્ષ 2023માં, 23 દરવાજા ખોલાતા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. નદી કાંઠાના અનેક ગામોમાં પાણી ઘુસી જતાં ખેડૂતો અને રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
- આ અનુભવ બાદ, વર્ષ 2024માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ પાણી તબક્કાવાર છોડવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે નદી કાંઠાના ગામોમાં પુરની સ્થિતિ સર્જાયા વગર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાઈ હતી.
ચાલુ વર્ષે પણ દરવાજા ખોલવાની ફરજ
ચલુ વર્ષે પણ 31મી જુલાઈ 2025ના રોજ નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ વરસાદની સ્થિતિ અને ઉપરવાસમાંથી આવતા જળપ્રવાહને ધ્યાને રાખીને દરવાજા ખોલવાની સંખ્યા સતત વધતી ગઈ. અંતે સપ્ટેમ્બરની શરૂઆતમાં 23 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે હાલ વરસાદમાં ઘટાડો થતા ડેમમાંથી પાણી છોડવાની ગતિ ધીમી કરવામાં આવી છે.
નર્મદા કાંઠાના ગામોમાં રાહત
ગયા કેટલાક દિવસોથી નર્મદા કાંઠાના ગામોમાં પુરનો ભય છવાયો હતો. ડેમના તમામ દરવાજા ખોલાતા કાંઠે આવેલા વિસ્તારોમાં ચિંતા ફેલાઈ હતી. પરંતુ શુક્રવારથી પાણીની આવકમાં ઘટાડો થતાં અને દરવાજા બંધ થવાથી લોકોએ થોડોક રાહતનો શ્વાસ લીધો છે. હાલ તંત્ર દ્વારા નદીના પ્રવાહ અને વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
100 ટકા ભરાવની આશા
વિશ્વકક્ષાની આ ડેમ પ્રોજેક્ટ ગુજરાત માટે જીવનરેખા સમાન છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેમમાં જળસ્તર તેની મહત્તમ સપાટીને અડીને પહોંચે છે. આ વર્ષે પણ ડેમ 100 ટકા ભરાશે તેવી ધારણા છે. જો એવું બને તો ગુજરાતના ખેડૂતો માટે સિંચાઈના પૂરતા સાધનો ઉપલબ્ધ થશે તેમજ પીવાના પાણીની તંગી ધરાવતા વિસ્તારોને પણ મોટું રાહત મળશે.
તંત્રની સાવચેતી
નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી અને રાજ્ય સરકારના અધિકારીઓ ડેમની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પાણી છોડવા કે દરવાજા બંધ કરવા જેવા તમામ નિર્ણયો હવામાનની પરિસ્થિતિ અને ઉપરવાસમાંથી આવતા પ્રવાહને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો
- Shreyas Iyer: શ્રેયસ ઐયર કેપ્ટન બન્યો, ધ્રુવ જુરેલને મળી મોટી જવાબદારી, ભારતની આ ટીમની જાહેરાત
- Canada: કડક નિયમો વચ્ચે કેનેડાએ 2025 માં 80% ભારતીય વિદ્યાર્થી વિઝા નકારી કાઢ્યા: અહેવાલો
- Rajasthan: જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીનું મોત, 7 લોકો કાટમાળમાં દટાયા
- Narmada: નર્મદા ડેમ ઓવરફ્લો થવાના આરે, પાણીનું સ્તર ૧૩૬ મીટર સુધી પહોંચ્યું, ડેમ ૯૧% ભરાઈ ગયો
- Narmada: સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં ઘટાડો, 91.59 ટકા ભરાવ સાથે હજી ઓવરફ્લોથી 2.54 મીટર દૂર