Narmada: નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં પીએમ આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવનાર યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 37 વર્ષીય દીપક કોળી પર ગામના ગ્રામપંચાયતના મહિલા સભ્ય સહિત ચાર લોકોએ મળીને હુમલો કર્યો હતો. દીપકને થાંભલા સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ આ મામલે સાગબારા પોલીસે આરોપી મહિલા સભ્ય સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ફરિયાદીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડ્યો ભારે

મળતી માહિતી મુજબ, સેલંબા ગામના રહેવાસી દીપક કોળીએ ગામમાં અમલમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે નર્મદા જિલ્લા વહીવટીતંત્રને લેખિત રજૂઆત કરી હતી. દીપકના કહેવા મુજબ યોજનામાં ફાળવાયેલા લાભાર્થીઓમાં ગેરરીતિઓ કરવામાં આવી હતી. આ મુદ્દે તેમણે પુરાવા સાથે તંત્રને માહિતગાર કર્યું હતું.

આ રજૂઆત બાદ ગામની ગ્રામપંચાયતના સભ્યો નારાજ બન્યા હતા. ખાસ કરીને મહિલા સભ્ય વિશાખાબેન તડવી, કંચનબેન તડવી તેમજ અન્ય કેટલાક લોકો દીપક પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દીપક પર “તું કેમ અમારા આવાસો કેન્સલ કરાવતો હોય છે” કહીને દબાણ લાવવામાં આવ્યું હતું.

થાંભલા સાથે બાંધીને માર માર્યો

આજથી થોડા દિવસ પહેલા દીપકને ગામમાં જ મહિલાઓએ ઘેરી લીધો હતો. વિશાખાબેન તડવી અને કંચનબેન તડવી સાથેની મહિલાઓએ પ્રથમ તો દીપકને ગાળો આપી ધમકાવ્યો હતો. બાદમાં તેને જબરજસ્તી ખેંચીને એક થાંભલા સાથે બાંધી દેવાયો હતો. ત્યાં હાજર દિવ્યેશ તડવી અને હંસાબેન તડવીએ મળીને દીપકને લાકડી અને હાથપગથી ઢોર માર માર્યો હતો.

હુમલાખોરોએ દીપકને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ હુમલામાં દીપક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

હુમલા બાદ દીપકને તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત ગંભીર હોવાને કારણે તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ત્યાં તેનું સારવાર હેઠળ છે.

પોલીસ ફરિયાદ અને તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં પીડિત દીપક કોળીએ સાગબારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે મહિલા સભ્ય વિશાખાબેન તડવી, કંચનબેન તડવી, દિવ્યેશ તડવી અને હંસાબેન તડવીના નામ ઉલ્લેખ્યા છે. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાગબારા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં ફરિયાદીને ગામના પંચાયત સભ્યો દ્વારા દબાણ કરીને હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓની અટકાયત માટે તપાસ શરૂ કરી છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પર દબાણનો નવો કિસ્સ

સેલંબા ગામની આ ઘટના રાજ્યમાં પીએમ આવાસ યોજના હેઠળ ચાલતી ગેરરીતિઓના મુદ્દાને ફરી ચર્ચામાં લાવી છે. એક બાજુ ગરીબોને ઘર મળે તે હેતુસર સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તો બીજી બાજુ ગ્રામ સ્તરે યોજનાનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.

દીપક કોળીની ઉપર થયેલો હુમલો એ દર્શાવે છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને ગામ સ્તરે રાજકીય દબાણ અને હિંસાનો સામનો કરવો પડે છે. આ બનાવ પછી સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છે, જ્યારે તંત્રની જવાબદારી છે કે તેઓ ત્વરિત પગલાં લઈને ભ્રષ્ટાચાર બહાર લાવનારાને ન્યાય આપે.

સ્થાનિકોમાં રોષ અને ચર્ચા

આ બનાવ પછી સેલંબા ગામમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો દીપકને ન્યાય મળે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા છે, તો કેટલાક લોકો હજુ પણ ગામના પ્રભાવશાળી તત્વોના ભયને કારણે ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી.

હાલ પોલીસ તપાસમાં શું નવું બહાર આવે છે તે જોવાનું રહ્યું. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ઘટનાએ પીએમ આવાસ યોજનાની પારદર્શકતા અને અમલ બાબતે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો