Jitu Upadhyay AAP: આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલના પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાયે આજે શેલા વિસ્તારમાં આવેલી ઓર્કેડ વેલી નામની સોસાયટીના 100થી વધુ રહેશો સાથે બોપલ પોલીસ સ્ટેશનને મુલાકાત લીધી હતી અને એક વીડિયોના માધ્યમથી તેમણે સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું કે શેલા વિસ્તારમાં ઓર્કિડ વેલી નામની જે સોસાયટી છે. તે સોસાયટીની મહિલાઓ અને પુરુષો સાથે અમે કુલ 100 થી વધુ લોકો પોલીસ સ્ટેશને આવ્યા છીએ. તેમની સોસાયટીમાં 32 જેટલા છોકરા-છોકરીઓ ગેરકાયદેસર રીતે PGમાં રહે છે તેઓ ખૂબ જ ખરાબ વાતાવરણ ઊભું કરી રહ્યા છે, ગાંજો પીવે છે, અને ન્યુસન્સ પેદા કરે છે. એક બાજુ અમદાવાદને સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવે છે અને અમદાવાદની મહિલાઓ સૌથી સુરક્ષિત છે તેવી વાતો કરવામાં આવે છે, તેવી પરિસ્થિતિમાં અમદાવાદની જમીનની હકીકત એકદમ વિપરીત છે. ગઈકાલે આ PGમાં રહેતા છોકરાઓ દ્વારા આ સોસાયટીમાં રહેતી છોકરીની છેડતી કરવામાં આવી છે. જેના કારણે આ સોસાયટીના પુરુષો-મહિલાઓ મળીને પોલીસ ફરિયાદ કરવા માટે આવ્યા છે, પરંતુ ત્રણ કલાક થયા છતાં પણ બોપલ પોલીસ સ્ટેશનના PI ગોહિલ ફરિયાદ લેવા માટે તૈયાર નથી.
PI ગોહિલનું એવું કહેવું છે કે ચેરમેન અને સેક્રેટરીની નિમણૂક થાય ત્યારબાદ જ આ સોસાયટી દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવે તો જ પોલીસ ફરિયાદ લેશે. ત્યારે અમે એવો પણ સવાલ કર્યો કે સોસાયટીમાં જો કોઈ ફાયરિંગ થાય તો શું ચેરમેન અને સેક્રેટરીની નિમણૂક થઈ હોય ત્યારે જ ફરિયાદ દાખલ થશે? પાંચ દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા PG માટેનું એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એ નોટિફિકેશનને પણ આ લોકો ઘોળીને પી ગયા છે. PIનું કહેવું છે કે “જે ચાલી રહ્યું છે તે રહેશે જ અને મારું નામ ભગીરથ ગોહિલ છે અને તમારે જેને ફરિયાદ કરવી હોય તેને કરી શકો છો.” તો આ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે મહિલા સુરક્ષાની વાતો થઈ રહી છે તે ફક્ત કાગળ પર જ છે. જ્યાં સુધી આ મહિલાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ મહિલાઓ સાથે ઉભા રહીશું અને તેમને ન્યાય અપાવીશું.