Monsoon: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૩૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ૮ ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં ૪-૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

આજે, તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૧૫,૯૭૧ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૧,૩૫૧ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૯ સપ્ટેમ્બરથી ૦૨ ઓકટોબર, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.