Gujarat News: છેલ્લા કેટલાક દિવસોમાં જ અનેક નાની દીકરીઓ અને મહિલાઓ સાથે બળાત્કાર અને સામૂહિક બળાત્કારની ઘટનાઓ ઘટી છે. નવરાત્રીના સમયમાં પણ ભાજપ સરકાર દીકરીઓની રક્ષા કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે. આ બળાત્કારની ઘટનાઓના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી અને નેશનલ જોઇન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા , Gujarat પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણા, પ્રદેશ સંગઠન મંત્રી સૂર્યસિંહ ડાભી, હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ પ્રમુખ વિનોદ પરમાર, અમદાવાદ શહેર પશ્ચિમ પ્રમુખ વિજય પટેલ, અમદાવાદ શહેર પૂર્વ પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી, લીગલ સેલ પ્રદેશ પ્રમુખ ઠક્કર, વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા, અમદાવાદ મહિલા પ્રમુખ રિદ્ધિબેન, પ્રદેશ સંગઠન મંત્રી બીપીન ગામીત સહિત શીર્ષ નેતાઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં અમદાવાદના કોચરબ આશ્રમથી એલિસબ્રિજ સુધી પદયાત્રા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત છે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના કારણે ગુજરાતમાં મહિલા સુરક્ષાની સ્થિતિ ખૂબ જ બદતર બની ગઈ છે. રોજે રોજ બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ સામે આવી રહી છે તેનાથી આપણે સમજી શકીએ છીએ કે ગુજરાતની દીકરીઓ સુરક્ષિત નથી. ગુજરાતના લાખો માતા પિતા ખૂબ જ ડરના માહોલમાં જીવી રહ્યા છે. એમણે ચિંતા સતાવી રહી છે કે તેમની દીકરી જો ગરબા રમવા જશે તો તેની સાથે બળાત્કાર જેવી ઘટના તો નહીં ઘટે ને! દાહોદમાં છ વર્ષની દીકરી સાથે બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવી, સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર કરવામાં આવ્યો, મહેસાણા, મોડાસા અને વડોદરામાં પણ બળાત્કારની ઘટનાઓ ઘટી.

આણંદમાં એક દીકરીને દારૂ પીવડાવીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. આજે પણ સુરતના માંગરોળમાં એક ઘટના બની છે જેમાં એક મિત્ર સાથે એક દીકરી ક્યાંય જઈ રહી હતી તેની સાથે ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો. અને તેના મિત્રને ખૂબ જ માર માર્યો. રેપ અને ગેંગરેપની ઘટના ક્યાંય પણ બને તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને તમે જુઓ છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં કેટલી બધી રેપ અને ગેંગરેપની ઘટનાઓ બની. જો કલકત્તામાં કોઈ બળાત્કારની ઘટના ઘટે છે તો ભાજપ માટે તે દુઃખદ ઘટના છે અને તે ઘટના વિરુદ્ધ તેઓ પ્રદર્શન કરશે પરંતુ જો ગુજરાતની કોઇ દિકરી સાથે રેપ કે ગેંગરેપ થશે અથવા તો તેની હત્યા થશે, ત્યારે ભાજપવાળા લોકો શિખામણ આપવા નીકળી પડે છે. ભાજપવાળા શિખામણ આપે છે કે દીકરી એકલી ન જવું જોઈએ ટૂંકા કપડાં ન પહેરવા જોઈએ પરંતુ ગુજરાતની ઘટનાઓમાં ક્યાં ટૂંકા કપડાની વાત આવી?

આજે મહિલાઓની સુરક્ષા મુદ્દે અમે વિવિધ કાર્યક્રમો કર્યા છે અને આ આજે પ્રદેશનો પાંચમો કાર્યક્રમ છે. આજે અમે કોચરબ આશ્રમથી ટાઉન હોલ સુધી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું. અમે આજે ગુજરાતની પરિસ્થિતિને લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીનું રાજીનામું માંગીએ છીએ. ગુજરાતની દીકરીઓ સુરક્ષિત નથી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ જવાબ આપવો જોઈએ. અને નવરાત્રીમાં જ આવી દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બની રહી છે ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી માટે આ શરમજનક બાબત છે. માટે તેમણે તાત્કાલિક ધોરણે રાજીનામું આપવો જોઈએ.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલીયાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ભાજપવાળા લોકો મોટી મોટી વાતો કરતા હોય છે કે ગુજરાતમાં રાત્રે બે વાગ્યે પણ દીકરીઓ ફરી શકે છે. પરંતુ હકીકત એ છે કે રોડ રસ્તા પર છોડો પરંતુ શાળામાં પણ દીકરીઓ સલામત નથી. જસદણમાં ભાજપના લોકોએ દિકરી પર હોસ્ટેલમાં બળાત્કાર કર્યો, દાહોદના આચાર્યએ સ્કૂલમાં છ વર્ષની દીકરી પર બળાત્કારની કોશિશ કરી અને તેની હત્યા કરી દીધી. માટે આપણે નિષ્ફળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કહેવા માંગે છે કે તમે રાજીનામું આપો અને ઘર ભેગા થાવ. લોકો ભુપેન્દ્ર પટેલને દાદા દાદા કહે છે પરંતુ જે દાદા દીકરીઓની સુરક્ષા ના કરી શકે તે કઈ રીતે દાદા કહેવાય. હવે અમારો આધાર હનુમાન દાદાને ગણપતિ દાદા જ છે.

આજે હું કહેવા માગું છું કે શા માટે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. જ્યારે ગૃહ મંત્રી સ્ટેજ પરથી મોટી મોટી વાતો કરે છે કે હું બેઠો છું, તમારો ભાઈ છું, પોલીસને મેં સૂચના આપી છે. અને આ સ્પીચની રીલ બનાવીને હજારો લાખો મોબાઇલમાં વાયરલ કરે અને તે રીલ એક બળાત્કારી પણ જોતો હશે. ત્યારબાદ તે બળાત્કારી પણ વિચારતો હશે કે ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે પરંતુ એમાંનું કાંઈ થતું નથી, બળાત્કારી પણ વિચારતો હોય છે કે ગૃહમંત્રી કંઈ કરવાના નથી ત્યારે બળાત્કારીને ગૃહ મંત્રી કે પોલીસનો પણ ડર લાગતો નથી અને જ્યારે કોઈ દીકરી કે બહેન તેને મળી જાય તો તેની સાથે તે બળાત્કારની કોશિશ કરતો હોય છે. માટે ગૃહ મંત્રી જેવા લોકોએ ગુજરાતમાં સત્તા પર બેસવાની કોઈ જરૂર નથી. માટે વહેલામાં વહેલી તકે હર્ષ સંઘવી રાજીનામું આપે અને ગુજરાત પર એક અહેસાન કરે તેવી હું આમ આદમી પાર્ટી વતી માંગણી કરું છું.

ભાજપે બળાત્કારીઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને તેમને છાવરવાનું કામ કર્યું છે. જસદણના બળાત્કારીઓના ઘર પર આજે પણ બુલડોઝર પહોંચ્યું નથી. અમેરિકામાં રાહુલ ગાંધી શું કરે છે તે ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને દેખાય છે પણ વડોદરામાં સામૂહિક બળાત્કાર થાય તે આ લોકોને દેખાતું નથી. પશ્ચિમ બંગાળમાં કોઈ દીકરી સાથે બળાત્કાર થાય તો તે ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને દેખાય છે પરંતુ સુરતમાં જો કોઈ બળાત્કાર થાય તો ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ બળાત્કાર દેખાતો નથી. અને હર્ષ સંઘવીએ જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ મારી હતી, મેં પણ આ ચેલેન્જ સ્વીકારતા કહ્યું હતું કે તમે જે વિષય પર કહો તે વિષય પર ચર્ચા કરવા માટે હું તૈયાર છું.