યુએસ-કેનેડા બોર્ડર પર ભારતીયોની દાણચોરીના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું નિવેદન સામે આવ્યું છે. EDએ મંગળવારે કહ્યું કે તે કેનેડાની સરહદ પાર ભારતીયોની દાણચોરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેટલીક કેનેડિયન કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ તપાસ એક ભારતીય પરિવારના મૃત્યુ સાથે સંબંધિત છે જેનું 19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરતી વખતે ભારે ઠંડીના કારણે મેહસાણાના ડિંગુચા ગામના પરિવારમાં ચાર વ્યક્તિઓનું મૃત્યુથયું હતું. EDએ આ કેસમાં મુખ્ય આરોપી ભાવેશ અશોક પટેલ અને અન્યો વિરુદ્ધ અમદાવાદ પોલીસ FIRની નોંધ લીધી અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ફરિયાદ નોંધી.

ગેંગ કેવી રીતે કામ કરતી હતી તે સમજો

આ કેસમાં EDના જણાવ્યા મુજબ આરોપ છે કે અશોક પટેલ અને અન્ય લોકોએ કેનેડા મારફતે ગેરકાયદેસર રીતે ભારતીયોને અમેરિકા મોકલવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે તે લોકોને કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશન મળે તેવી વ્યવસ્થા કરી. એકવાર આ લોકો કેનેડા પહોંચ્યા કોલેજમાં પ્રવેશ લેવાને બદલે તેઓએ યુએસ-કેનેડા સરહદ પાર કરી. જે ક્યારેય કોલેજમાં ગયા જ નથી . આ રેકેટ હેઠળ દરેક વ્યક્તિ પાસેથી 55 થી 60 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.

EDના દરોડામાં ખુલાસો થયો છે

મળતી માહિતી મુજબ EDએ 10 અને 19 ડિસેમ્બરે મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં સર્ચ હાથ ધર્યું હતું. જ્યાં બહારના દેશોમાં ભારતીયોના પ્રવેશ માટે બે સંસ્થાઓ કમિશન પર કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. આમાંથી એક સંસ્થા મુંબઈમાં અને બીજી નાગપુરમાં આવેલી છે. આ ઉપરાંત EDને એ પણ જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં 1,700 થી વધુ એજન્ટો સક્રિય છે અને સમગ્ર ભારતમાં 3,500 એજન્ટો સક્રિય છે. જેઓ ભારતીય નાગરિકોને કેનેડા અને અમેરિકા મોકલવામાં મદદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે અત્યાર સુધી EDએ 19 લાખ રૂપિયાની બેંક રકમ, કેટલાક વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને બે વાહનો જપ્ત કર્યા છે. EDની તપાસમાં એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે કેનેડા સ્થિત કેટલીક કોલેજો આ દાણચોરીના રેકેટમાં સામેલ હોઈ શકે છે.