Mehsana: મહેસાણા જિલ્લાના સામેત્રા ગામ સહિત આસપાસના અનેક ગામોના લોકો માટે ત્યાં આવેલી પેપર મિલ અત્યારે માથાનો દુખાવો બની ગઈ છે. પેપર મિલમાંથી નીકળતી અસહ્ય દુર્ગંધને કારણે લોકોના જીવન પર સીધી અસર થઈ રહી છે. ખાસ કરીને સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરા (ખારા) અને ખારા ગામના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાથી પરેશાન છે. પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે અને લોકોને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે આજે (18મી સપ્ટેમ્બર) મહિલાઓ આગળ આવી અને બહુચરાજી હાઈવે પર ચક્કાજામ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

કલેક્ટરને અગાઉ આવેદનપત્ર સુપરત છતાં કાર્યવાહી નહીં

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, આ સમસ્યાને લઈને તેઓ પહેલાથી જ સક્રિય બન્યા હતા. થોડા સમય પહેલા કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો અને અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. તેમાં ગ્રામજનોની સ્પષ્ટ માંગ હતી કે પેપર મિલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને દુર્ગંધ તથા પ્રદૂષણથી મુક્તિ અપાવવી જોઈએ. છતાં લાંબા સમયથી કોઈ કાર્યવાહી ન થતા લોકોએ આજે હાઈવે પર ઊતરવાનો નિર્ણય લીધો.

પોલીસ ઘટના સ્થળે દોડી આવી

બહુચરાજી હાઈવે પર મહિલાઓ અને ગ્રામજનોએ ચક્કાજામ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા. લોકોએ પોલીસ સમક્ષ પણ પોતાના દુઃખદર્દ વ્યક્ત કર્યા અને જણાવ્યું કે તેઓ હવે મૌન રહેવા તૈયાર નથી. સમસ્યા વધતી જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

દુર્ગંધ અને રાસાયણિક કચરાથી ત્રાસ

સામેત્રા પેપર મિલમાંથી સતત દુર્ગંધ ફેલાતી રહે છે. ગ્રામજનોના આરોપ પ્રમાણે, આ ફેક્ટરીમાંથી નીકળતો કચરો અને રાસાયણિક પ્રવાહી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતા નથી. જેના કારણે આજુબાજુનું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે. હવા ઉપરાંત જમીન અને પાણી પર પણ તેની ગંભીર અસર થતી હોવાની આશંકા છે. ગામલોકોના જણાવ્યા મુજબ, હવે તો રોજિંદા જીવન પર સીધી અસર થઈ રહી છે. ઘરમાં બેઠા બેઠા પણ શ્વાસ લેવા મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતા

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રદૂષણના કારણે ઘણા લોકો ત્વચા સંબંધિત સમસ્યાઓ, આંખોમાં ચળચળાટ, માથાનો દુખાવો અને શ્વાસની તકલીફો અનુભવી રહ્યા છે. બાળકો અને વૃદ્ધો પર તેનો સૌથી વધુ પ્રભાવ પડી રહ્યો છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.

ગ્રામજનોની માંગ

ગ્રામજનોની એકજ માંગ છે કે પેપર મિલ પર કડક નિયંત્રણ મૂકવામાં આવે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વોનો તાત્કાલિક અંત લાવવામાં આવે. તેઓ ઈચ્છે છે કે સરકાર અને સ્થાનિક તંત્ર લોકોના હિતમાં પગલાં ભરે. અનેક લોકોએ જણાવ્યું કે રોજિંદા જીવનમાં આવી સ્થિતિ અસહ્ય બની ગઈ છે અને હવે શાંતિપૂર્ણ જીવન જીવવા માટે તેઓ લડવા તૈયાર છે.

પરિસ્થિતિ પર સૌની નજર

હાલમાં પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી છે, પરંતુ ગ્રામજનોના ગુસ્સા અને અસંતોષને જોતા તંત્ર સામે કઠિન પડકાર ઊભો થયો છે. આવનારા સમયમાં આ મુદ્દે સરકાર અને સ્થાનિક પ્રશાસન કઈ રીતે પગલાં લે છે તે જોવું રહ્યું. કારણ કે, જો સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.

આ પણ વાંચો