Mehsana ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુજરાતના મહેસાણા જિલ્લામાં ₹4.59 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં શેરબજારના રોકાણો સાથે સંકળાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં મોટી માત્રામાં સોનું, ચાંદી, રોકડ અને વિદેશી ચલણનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી હતી.

4.59 કરોડની સંપત્તિ જપ્ત

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ED એ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી સંપત્તિમાં 110 કિલો ચાંદીના બાર 1.29 કિલો સોનાના બાર 39.7 કિલો ચાંદીના દાગીના, ₹38.8 લાખ રોકડ અને આશરે ₹10.6 લાખની વિદેશી ચલણનો સમાવેશ થાય છે. વધુમાં, ગુનાહિત કાર્યવાહી સંબંધિત અનેક મિલકત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને અન્ય આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે EDએ તપાસ શરૂ કરી હતી. FIR મુજબ, આરોપીએ ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરીને ઊંચા વળતરનું વચન આપીને લલચાવ્યું હતું, પરંતુ રોકાણ કરેલી રકમ પરત કરી ન હતી કે કોઈ લાભ પણ આપ્યો ન હતો.

તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ રોકાણકારોના પૈસા કોઈપણ કંપનીના શેરમાં રોકાણ કર્યા ન હતા, પરંતુ તેને વ્યક્તિગત ઉપયોગ માટે ખર્ચ્યા હતા. ત્યારબાદની તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે વિવિધ રાજ્યોમાં આરોપીઓ સામે ઓછામાં ઓછા છ વધારાના FIR દાખલ કરવામાં આવ્યા છે. છેતરપિંડીની કુલ રકમ ₹10.87 કરોડ સુધી પહોંચી ગઈ છે.

ઊંચા વળતરના બહાને રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ

ED અનુસાર, પિન્ટુ ભાવસાર અને તેના સહયોગીઓએ મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઘણી ઓફિસો ખોલી હતી. તેઓ ત્યાં કર્મચારીઓને નોકરીએ રાખતા હતા અને સંભવિત રોકાણકારોને નિયમિત ફોન કોલ્સ કરતા હતા, તેમને શેરબજારમાં રોકાણ કરવા માટે આકર્ષક વળતરનું વચન આપતા હતા.

તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે ભાવસારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા ત્રણ કંપનીઓને જારી કરાયેલા રોકાણ સલાહકાર પ્રમાણપત્રોનો દુરુપયોગ કર્યો હતો. આ કંપનીઓ વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ, દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ અને દેવકી સ્ટોક્સ પ્રાઇવેટ લિમિટેડ સેબીમાં નોંધાયેલા નહોતા, છતાં રોકાણ સલાહકાર સેવાઓ પૂરી પાડી રહ્યા હતા.