છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ખાવાની વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવતી રહે છે. ભોજનમાં ગરોળી, વંદા, ઈયળ જેવી વસ્તુઓ નીકળતી હોય છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવખત મહેસાણાની એક આવી જ ઘટના સામે આવી છે. મહેસાણાના ડી-માર્ટમાંથી દહીંનો ડબ્બામાં ફૂગ વળેલી જોવા મળી છે. જે બાદ ગ્રાહક આકરાપાણીએ છે.
મળતી માહિતી અનુસાર અવારનવાર ખાદ્ય પદાર્થમાંથી વિચિત્ર વસ્તુઓ જેમ કે, કીડા, મકોડા, ગરોળી, આંગળી નીકળવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે મહેસાણાના ડી-માર્ટમાંથી એક ગ્રાહકે દહીંનો ડબ્બો ખરીદ કર્યો હતો. પરંતુ દહીંના ડબ્બામાં ફૂગ વળેલી જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ અંગે ડી-માર્ટને જાણ કરી હતી અને ડબ્બો બદલી આપવા માટે સ્ટાફ દ્વારા વાત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે મિલ્કી મિસ્ટ નામની કંપનીનો દહીંનો એક કિલોનો ડબ્બો ખરીદ્યો હતો. જેમા ફૂગ જોવા મળી હતી. ડબ્બો ખરીદનાર ગ્રાહક વેપારી હતો અને તેને સંતોષજનક જવાબ પણ ડી-માર્ટ તરફથી મળ્યો નહોતો. જેને લઈ આખરે ગ્રાહકે દહીંના ડબ્બા અને બીલ સાથે વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે, આ જોતા લાગી રહ્યું છે કે જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે સતત ચેડાં કરવામાં આવી રહ્યા છે.