આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા Raju Kaprada એક ગંભીર મુદા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં મેડિકલ માફિયાઓ બેફામ બન્યું છે. શહેરની માત્ર એક સિવિલ હોસ્પિટલ છે જે ગાંધી હોસ્પિટલના નામે ચાલે છે. જ્યાં રાત્રે માત્ર એક મેડિકલ ઓફિસર હોય છે. જો કોઈ ડેડબોડી પી.એમ. માટે આવે તો મેડિકલ ઓફિસર એ કામમાં જતા રહે અને ડોક્ટર વગર રામ ભરોસે સિવિલ હોસ્પિટલ બની જાય છે. વધુ ગંભીર બાબતે છે કે સમયસર સારવાર ન મળવાથી અનેક લોકોના મૃત્યુ થયા હોય એવું પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબમાં ડિગ્રી વગરના લોકો બ્લડ સેમ્પલ લઈ રહ્યા છે, જેનો વિડિયો અને રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વર્ગ 2નો કર્મચારી બ્લડ સેમ્પલ લઇ રહ્યો છે જેનો આજે વિડિયો જાહેર કર્યો છે. સાથે જ મેગામોલની સામેની ગલીમાં સંજીવની લેબોરેટરીના નામથી ચાલતી લેબમાં રિપોર્ટ સહયોગના નામે આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી ડિગ્રી વગરનો કર્મચારી બ્લડ સેમ્પલો લઈ રહ્યો છે. ડેન્ટલ ડોક્ટર સિવિલ સર્જન બની બેઠા છે.
CCTV ફૂટેજ ચેક કરવામાં આવે તો જોઈ શકાશે કે બાળકો અને સગર્ભા સ્ત્રીઓના પણ સેમ્પલો ડિગ્રી વગરનો માણસ લઈ રહ્યો છે. આવું શહેરની અન્ય લેબોમાં પણ ચાલી રહ્યું છે જેની તપાસ થવી જોઈએ. શહેરમાં 80% ખાનગી હોસ્પિટલોમાં સર્જન સાથે રહેલા આસિસ્ટન્ટ કોઈ જ ડિગ્રી ધરાવતા નથી અને સાથે જ નર્સિંગ સ્ટાફ પણ ડિગ્રી વગરના રાખવામાં આવે છે. જિલ્લામાં 300થી વધારે મેડિકલ સ્ટોરમાંથી માત્ર 6 સ્ટોર માં જ ફાર્મસી કરેલા વ્યક્તિ બેસે છે બાકી માત્ર ફોટા રાખવામાં આવ્યા છે અને પ્રતિબંધિત વસ્તુઓ ડ્રગ વિભાગની રહેમનજર હેઠળ વેચાઈ રહી છે. એક અઠવાડિયામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી નહિ થાય તો મેડિકલ સ્ટોર અને આવી લેબ અને બેફામ ચાલી રહેલી બોગસ સ્ટાફ ધરાવતી હોસ્પિટલો પર જનતા રેડ કરી વિગતો ખુલ્લી પાડવામાં આવશે.