આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને ભાજપના આઈટી સેલ દ્વારા અબકી બાર ટ્રમ્પ સરકારના નારા લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કામ કર્યું છે જેનાથી તમામ ભારતીયોના માથા શરમથી ઝૂકી ગયા છે. અમેરિકાએ આપણા ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને આપણા દેશમાં પાછા મોકલ્યા ત્યારે હાથમાં હથકડીઓ પહેરાવીને બંદી બનાવીને પાછા મોકલ્યા છે. આવી ઘટના બની તેમ છતાં પણ અમારો સવાલ છે કે નરેન્દ્ર મોદી અને આપણું વિદેશ મંત્રાલય શું કરી રહ્યું છે? આપણા ગુજરાતના લોકો સાથે બર્બરતા કરવામાં આવી અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા. આટલું થયું તેમ છતાં પણ આપણી સરકાર ચૂપ બેઠી છે.
સોમાલીયા જેવા નાનકડા દેશે પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને તેમણે પોતાના નાગરિકો માટે કહ્યું કે અમારા નાગરિકો સાથે આ રીતની બર્બરતા ન કરી શકાય. પરંતુ આપણા દેશની સરકાર ચૂપ છે. ભારતમાં સરકારે ના તો એવી વ્યવસ્થા કરી કે અહીંયા લોકોને સારું શિક્ષણ મળે ના તો એવી વ્યવસ્થા કરી કે અહીંયા લોકોને સારો રોજગાર મળે એટલા માટે હજારો લોકો આજે પોતાનો જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે વિદેશ જાય છે. છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહેનાર લગભગ 7,00,000 જેટલા ભારતીયો સાથે આવો વ્યવહાર થવા જઈ રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ મુદ્દા પર પોતાની ચુપ્પી તોડશે. જ્યારે નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળશે ત્યારે આ મુદ્દા પર વાત થવી જોઈએ. પોતાનો બધું છોડીને વિદેશ ગયેલા લોકો હવે શું કરશે? ભારતીય લોકો સાથે જે બર્બરતા અને અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો છે તે આપણા સન્માનના ખીલાફ છે. ફરી આવી ઘટના ન ઘટે તે માટે સરકારે અમેરિકી સરકાર સાથે વાત કરવી જોઈએ.