ગૃહ રાજ્ય વિભાગ એવો દાવો કરે છે કે, Ahmedabad મધ્યસ્થ જેલમાં ચકલુંય ફરકી શકે નહી તેવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. એટલુ જ નહીં, પ્રતિબંધિત વસ્તુઓ પણ લઈ જઈ શકાય નહી તે માટે સીસીટીવી કેમેરા નજર રાખી રહ્યા છે. આમ છતાંય મધ્યજેલમાં મોબાઇલ ફોન, ગુટકા, તમાકુ, બીડી-સિગારેટ જેવી વસ્તુઓ પહોંચી રહી છે જેના પગલે જેલની સુરક્ષાને લઈને સવાલો ઉંઠ્યાં છે. જેલમાં કોની મદદથી પ્રતિબંધિત વસ્તુઓ પહોચીં રહી છે તે મુદ્દે ખુદ જેલ સત્તાધીશો પર આંગળી ચિંધાઇ રહી છે.
છેલ્લાં છ વર્ષમાં ૧૫૦ કેદી પાસેથી ૧૫ મોબાઈલ ફોન, ૧૧૪૭ નંગ તમાકુ, બીડી, સિગારેટ, ૨૦ હજાર રોકડ પકડાઈ
Ahmedabad મધ્યસ્થ જેલમાં હાલ કુલ મળીને ૧૩૪૦ કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. જે રીતે મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેદીઓ પાસેથી મળી રહી છે તે જોતાં લાગે છેકે, હવે તો જેલ પણ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. કેદીઓને હવે જેલમાં ડર રહ્યો નથી તેનુ કારણ છેકે, સીસીટીવી કેમેરા-ચાંપતા બંદોબસ્ત વચ્ચે પણ કેદીઓને મોબાઇલ ફોનથી માંડીને બીડી સિગારેટ તમાકુ જ નહીં, રોકડ રકમ સુધ્ધાં મળી રહે છે. કડવી વાતએ છે કે, ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓના મેળાપિપણાને લીધે જ પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેદીઓ સુધી પહોંચે છે.
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી મળી આવેલી પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ છતાં 50 કેદીઓ સામે કોઈ પગલાં લેવાયા નહી.
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ૧૫૦ કેદીઓ પાસેથી મોબાઈલ ફોન, બીડી સિગારેટ, તમાકુ-ગુટકા સહિત પ્રતિબંધિત ચીજવસ્તુઓ પકડાઈ હતી. જોકે, ખુદ સરકારે જ કબૂલ્યુ છેકે, ૫૦ કેદીઓ વિરુધ્ધ આજ દીન સુધી જેલ સત્તાધીશોએ પગલાં લીધા નથી. કેદીઓ પ્રત્યે કેમ દયાભાવ રાખવામાં આવે છે તે સમજાતુ નથી.
ખુદ સરકારે વિગતો જાહેર કરી છેકે, અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વર્ષ ૨૦૧૯થી માંડીને વર્ષ ૨૦૨૪ સુધીમાં કુલ મળીને ૧૫૦ કેદીઓ પાસેથી ૧૫ મોબાઈલ ફોન, ૧૧૪૭ તમાકુ, ગુટકા, બીડી-સિગારેટ ઉપરાંત ૨૦ હજાર રોકડ રકમ પકડાઈ છે. ઉલ્લેખનીય છેકે, આ જ ફરિયાદોને પગલે અગાઉ ખુદ ગૃહ રાજ્યમંત્રીએ પણ જેલમાં ઓચિંતા દરોડા પાડયા હતાં. પણ આ બધુય કર્યા પછીય જેલતંત્ર સુધર્યુ હોય તેમ લાગતુ નથી. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સંકલન સમિતીમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં અધિકારીઓની ખાલી જગ્યાથી માંડીને પ્રતિબંધિત ચીજ વસ્તુઓની હેરાફેરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.