Surendranagar: સુરેન્દ્રનગરના અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટર અને ગુજરાત કેડરના IAS અધિકારી રાજેન્દ્રકુમાર એમ. પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 2 જાન્યુઆરીના રોજ રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં ED દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટએ આ માંગણીને આંશિક રીતે સ્વીકારી 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
EDની પ્રાથમિક તપાસમાં ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તપાસ એજન્સી મુજબ, તત્કાલીન કલેક્ટર તરીકે ફરજ બજાવતા સમયે રાજેન્દ્ર પટેલે જમીન વ્યવહારોમાં ગેરરીતિઓ કરીને 10 કરોડ રૂપિયાથી વધુની લાંચ લીધી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં સરકારી જમીનના ગેરકાયદેસર ઉપયોગ અને ખાનગી લાભ માટે નિર્ણય લેવાયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ED દ્વારા મની લોન્ડરિંગ અટકાવવાના કાયદા હેઠળ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા અધિકારીને સસ્પેન્ડ કરીને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કેસને કારણે રાજ્યના વહીવટી તંત્રમાં પણ ભારે ચકચાર મચી છે.





