• RTIની માથાકૂટો વચ્ચે ગુજરાત માહિતી આયોગનો મહત્વપૂર્ણ અખબારી યાદી જાહેર કરી.

હાર્દિક દેવકીયા દ્વારા…

છેલ્લા કેટલાક વખતથી ગુજરાત રાજ્યમાં RTIનો મામલો ચર્ચામાં છે. RTIમાં તોડકાંડ થતા હોવાથી સરકાર અને માહિતી આયોગે એક ફરમાન કર્યુ અને આવા તત્વોની યાદી એકત્રિત કરવાનું શરૂ કર્યુ. પરંતુ સરકારની આ વાતનો ઓથો લઈ અને અધિકારીઓએ મનફાવે તેવા ઓર્ડર RTIની અરજીમાં કરવા માંડ્યા.

પરીણામ એ આવ્યુ કે, સરકાર તોડબાજોને નિશાને લેવા ગઈ અને બીજીતરફ અધિકારીઓએ સામાન્ય અરજદારોને હેરાન કરવાનો ઉપાય શોધી નાખ્યો. આ મામલો ખૂબ ગુંજ્યો અને એવા ત્રણેક કિસ્સા સરકારના ધ્યાને આવી ગયા, જેમાં અધિકારીઓએ સરકારના પત્રનું ખોટુ અર્થઘટન કર્યુ અને તેનો ઓથો લઈ RTI અરજદારોને માહિતી આપવાની ના પાડી દીધી.

આ ત્રણેક ઘટનાઓ ટાંકી અને રાજ્ય માહિતી આયોગના નાયબ સચિવ દ્વારા 19 માર્ચ, 2025ના રોજ એક અખબારી યાદી રજૂ કરી. જેમાં માહિતી નિયામકને સંબોધીને લખ્યુ, ‘ચોક્કસ નાગરીકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી, અન્ય નાગરીકોને માહિતી નહીં આપવાના સબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણી બાબત.’

આ બાદ અખબારી યાદીમાં આયોગે ત્રણ કિસ્સાનું વર્ણન કર્યુ, જે નીચે તસ્વીરમાં આપ વાંચી શકશો.

આ અખબારી યાદી સાથે માહિતી આયોગે રાજ્યના તમામ માહિતી અધિકારી, પ્રથમ અપીલ અધિકારી અને બીજી અપીલના અધિકારી સહિતના જવાબદારોને ચેતવણી આપી કે, ‘ઉક્ત વિગતે રાજ્યના તમામ નાગરિક, તમામ જાહેર સત્તા મંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે કે. આયોગના ઉક્ત અને આ પ્રકારના હુકમો સંબંધિત અરજદારને જ લાગુ પડે છે. આ હુકમો સીધે-સીધા અન્ય અરજદારોને લાગુ પડતા નથી કે રાજ્યના અન્ય કોઇ જાહેર માહિતી અધિકારી કે પ્રથમ અપીલ અધિકારીને અન્ય અરજદારોના કેસમાં લાગુ કરવાની સત્તા આપતા નથી.

ઉકત હુકમો માત્ર સંબંધિત અરજદારને લાગુ પડતા હોવાથી, આ હુકમો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કે અપીલ કરનાર અન્ય નાગરિક/અરજદારને લાગુ પાડવાના રહેતા નથી આથી, આવા ચોક્કસ હુકમોને સંબંધિત ન હોય તેવા કોઈપણ નાગરિક/અરજદારની અરજી અથવા પ્રથમ અપીલનો નિર્ણય માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવા તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે. આ અંગે હવે પછી કોઈ અયોગ્ય કે મનઘડંત અર્થઘટન કરવામાં આવેલ હોવાનું જણાશે તો સંબંધિત અધિકારી વિરુદ્ધ શિસ્ત વિષયક સહિતની અન્ય તમામ કાર્યવાહી કરવાની આયોગને ફરજ પડશે, તેની નોંધ લેવા સર્વ સંબંધિતોને જણાવવામાં આવે છે.’

જેથી આયોગે હવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે, આયોગનો નિર્ણય ચોક્કસ તત્વોના માટે હતો. તમામ અરજદારોને એક જ નજરે જોઈ અને એક જ કાયદો લાગુ પાડ્યો તો અધિકારીઓ, તમારી ખેર નથી.