Brijraj Solanki AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજરાજ સોલંકીની સાથે સાથે એસસી સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા, અમદાવાદ શહેર યુથ વિંગ પ્રમુખ કુલદીપભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા આપણે સમાચાર જોયા કે ભાજપ અને હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે. આમ આદમી પાર્ટીની યુથ વિંગ સુરતમાં ડ્રગ્સ વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવા જઈ રહી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની યુથ વિગના તમામ જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. હું સુરત પહોંચું એ પહેલા મારી પણ ભરૂચથી અટકાયત કરવામાં આવી. ત્યારબાદ મને ભાવનગર લાવવામાં આવ્યો અને 42 કલાક ગોંધી રાખવામાં આવ્યો. તો ભાજપના ઈશારે યુવાનો પર જે અન્ય અત્યાચાર થઈ રહ્યા છે, તેના વિરુદ્ધ આમ આદમી પાર્ટી લડત લડશે. સુરતમાં અમારી એક મોટી સભા થવા જઈ રહી હતી જેમાં મોટી સંખ્યામાં કોળી પટેલ સમાજના, ઠાકોર સમાજના શિક્ષકો વકીલો આમ આદમી પાર્ટીમાં મારા હસ્તે જોડાવા જઈ રહ્યા હતા. મને નુકસાન થાય એ માટે હર્ષ સંઘવી દ્વારા ગુજરાતની પોલીસને આદેશ હતો કે બ્રિજરાજ સોલંકી સુરત ખાતે પહોંચવા ન જોઈએ. અમે હર્ષ સંઘવીને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીની યુવા પાંખ વધુ મજબૂતાઈથી આપના કાર્યાલય ખાતે પહોંચીને આપનું રાજીનામું માંગશે. ગુજરાતમાં ડ્રગ્સ માફીયાને પકડવાને બદલે જે લોકો ડ્રગ્સના વિરોધમાં આંદોલન ચલાવે એને પકડવાનું કામ ભાજપ અને હર્ષ સંઘવીએ કર્યું.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, હર્ષ સંઘવી વારંવાર કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે પરંતુ ક્યારેય આપણે સમાચારોમાં સાંભળ્યું નથી કે હજારો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં જે મંગાવે છે એ કોણ છે અને એ વ્યક્તિને ક્યારેય પકડવામાં આવતો નથી. મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ, પોરબંદર પોર્ટ સહિત અનેક જગ્યાએથી હવે ગુજરાત ડ્રગ્સ માટે એન્ટ્રી પોઇન્ટ બની ગયું છે.એક વર્ષમાં એક લાખ કરોડથી વધારે નું ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું વેચાણ થાય છે. ડ્રગ્સના કારણે યુવાનો આત્મહત્યા અને ખૂન ખરાબા કરવા પ્રેરિત થાય છે. અને આની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ભાજપ અને હર્ષ સંઘવી જવાબદાર છે. જો હર્ષ સંઘવી એવું માનતા હોય કે આમ આદમી પાર્ટીની યુવા પાંખને જેલમાં નાખવાથી અમે ડરી જઈશું તો એમને કહેવા માંગીશ આમ આદમી પાર્ટીના એક પણ યુવાનને કોઈપણ વ્યક્તિ ક્રાંતિ કરતા નહીં રોકી શકે, પોલીસના ડંડા કે પોલીસની ગોળીઓ પણ અમને આગળ આવતા રોકી નહીં શકે. અમે ગુજરાતના યુવાનો માટે છેલ્લા શ્વાસ સુધી લડી લઈશું. ગુજરાતના યુવાનોને હું કહેવા માંગીશ કે જે રીતે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં યુવાનોને રોજગારી આપે છે અને પંજાબમાં ડ્રગ્સ માફિયાનો નેસ્તનાબૂદ કરી નાખ્યું છે એ જ રીતે ગુજરાતમાં પણ ડ્રગ્સ માફિયાને આપણે સાથે મળીને નેસ્તનાબૂદ કરીશું. હું યુવાનોને અપીલ કરીશ કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે તો તમે પણ આમ આદમી પાર્ટીમાં જોડાઓ. આગામી સમયમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ડ્રગ્સથી આઝાદી નામનું કેમ્પેઇન ચલાવીશું.