આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર Gopal Italiaએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા ગુજરાત સરકારે ભાજપની વાહવાહી અને ચાપલુસી કરતા હોય તેવા કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપ્યું હતું અને તેમનું સન્માન કર્યું હતું. ત્યારબાદ લોકપ્રિય કલાકાર વિક્રમભાઈ ઠાકોરે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી અને પોતાનો અવાજ ઉઠાવ્યો અને માંગણી તરીકે ફક્ત અમુક કલાકારોની જગ્યાએ તમામ સમાજના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરવા જોઈએ. ત્યારબાદ ભાજપ સરકાર પર દબાણ આવ્યું અને તેમણે તમામ સમાજના લોકપ્રિય કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કર્યા અને તેમનું સન્માન કર્યું. તું મારો સવાલ છે કે જે લોકોએ ગુજરાત બનાવ્યું છે અને જે લોકો ગુજરાતના પાયામાં છે તેવા ગુજરાતના ખેડૂતો વિધાનસભામાં કેમ ન આમંત્રિત થઈ શકે?
હું ગુજરાતની ભાજપ સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ વિધાનસભાના જે પણ પ્રગતિશીલ ખેડૂતો છે, તે ખેડૂતોને વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવે અને તેમને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે તેવી હું માંગણી કરું છું. જો અલગ અલગ સમાજના લોકપ્રિય કલાકારો તથા સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતો વિધાનસભામાં શા માટે ન જઈ શકે? તો ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને વિધાનસભામાં આમંત્રિત કરવાનો કાર્યક્રમ શરૂ કરવો જોઈએ અને તેની શરૂઆત વિસાવદર ભેસાણ વિધાનસભાથી કરવી જોઈએ. મને આશા છે કે ગુજરાતની ભાજપ સરકાર વિસાવદરના ખેડૂતોને વિધાનસભામાં બોલાવીને સન્માનિત કરશે, જેથી ખેડૂતોને પણ વિધાનસભા પોતીકી લાગશે.